દાહોદમાં સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ.
દાહોદમાં સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ
દાહોદ શહેરના વોર્ડ નંબર-૩ માં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીનો સ્થાનિક લોકો અને શહેર કોંગ્રેસ સમિતિએ ઉગ્ર વિરોધ કર્યો હતો. એમજીવીસીએલના કર્મચારીઓ જ્યારે જૂના મીટર બદલવા પહોંચ્યા ત્યારે સ્થાનિકોએ વિરોધ કરી તેમનું કામ અટકાવી દીધું હતું. આ મામલે દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ આર્થિક સૈયદે જણાવ્યું કે, સ્માર્ટ મીટરનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને આપવામાં આવ્યો છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે જૂના મીટરો યોગ્ય રીતે કામ કરતા હતા તો નવા મીટર ની શું જરૂર છે?. તેમણે આક્ષેપ કર્યો કે સ્માર્ટ મીટરનો લગભગ ૨૫,૦૦૦ રૂપિયાનો ખર્ચ ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવશે. હાલમાં આ મીટરો પોસ્ટપેઇડ તરીકે લગાવવામાં આવે છે. પરંતુ ભવિષ્યમાં આ પ્રિપેઇડ થઈ શકે છે. તેમણે માંગ કરી કે, હાલ પૂરતું સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરવું જોઈએ. સ્થાનિક લોકોએ પણ આક્ષેપ કર્યો કે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વીજ બીલમાં વધારો થશે. તેમણે લેખિત ખાતરીની માંગ કરી અને કહ્યું કે,”લેખિત ખાત્રી આપો પછી મીટર લગાવો નહીંતર તમારા સ્માર્ટ મીટર પાછા લઈ જાઓ.”. . . આ મુદ્દે સ્થાનિકોને સમજાવવા એમજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર ચેતન કલાલ સ્થળપર પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે સ્માર્ટ મીટર ગ્રાહકો અને એમજીવીસીએલ બંને માટે ફાયદાકારક છે. આ મીટર લાઈવ રીડિંગ અને વીજ વપરાશની ચોક્કસ માહિતી આપે છે. તેમણે ખાતરી આપી કે સ્માર્ટ મીટરથી વીજબિલમાં વધારો નહીં થાય. જો કે, આસિફ સૈયદે લેખિત ખાતરીની માગણી કરી હતી. આ પ્રકારના વિરોધના કારણે એમજીવીસીએલ ના કર્મચારીઓ અને ડેપ્યુટી એન્જિનિયર ચેતન કલાલને સ્થળ પરથી પરત ફરવું પડ્યું હતું. દાહોદમાં સ્માર્ટ મીટરને લઈને લોકોનો રોષ અને કોંગ્રેસનો વિરોધ ચાલુ છે. જ્યાં સુધી લેખિત ખાતરી નહીં મળે ત્યાં સુધી આ પ્રકારનો વિરોધ ચાલુ રહેશે


