દાહોદ જિલ્લામાં દશામાંની મૂર્તિઓનું વાજતે ગાજતે વિસર્જન
દાહોદ
દાહોદ જિલ્લામાં દશામાંની મૂર્તિઓનું વાજતે ગાજતે વિસર્જન
હજારો ભક્તોએ ઢોલ નગારા અને ગરબાના તાલે ભાવભીની વિદાય આપી
દાહોદ જિલ્લામાં ગત તારીખ ૨૪મી જુલાઈ થી શરૂ થયેલ દશામાના વ્રતની સમાપ્તિ ગઈકાલ બીજી ઓગસ્ટ શનિવારના રોજ થતા ભક્તિમય વાતાવરણમાં ઢોર નગારા ની થાપે અને ગરબાના તાલે અબીલ ગુલાલની છોળો વચ્ચે દશા માતાની મૂર્તિનું “દશામાં ફરી આવજો”ના કોલ સાથે શાંતિપૂર્ણ રીતે વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યું હતું. દાહોદ શહેર સહિત જિલ્લામાં ગઈકાલે દશામાના વ્રતની પૂર્ણાહુતિ થતા ભક્તોએ પોતપોતાના ઘરમાં સ્થાપિત કરેલ દશામાની મૂર્તિની ભાવપૂર્ણ રીતે પૂજા અર્ચના કરી લાડ લડાવી વિવિધ જાતના પકવાનો ધરાવી માતાજીને રિઝવ્યા બાદ વ્રત પૂર્ણ થતા ગઈકાલે જિલ્લામાં નિર્ધારિત કરવામાં આવેલા તળાવો તેમજ ગામની નદીઓના જળમાં દશામાંની મૂર્તિઓનું વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યું હતું. દાહોદ શહેરમાં ગોધરા રોડ પર બનાવેલ કૃત્રિમ તળાવમાં દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું જ્યારે લીમખેડા કડફ નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. દરેક વિસર્જન સ્થળે વહીવટી તંત્ર તથા ગ્રામ પંચાયત દ્વારા પૂરતી લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. ડૂબવાની ઘટના ન બને તે માટે તરવૈયાઓની ટીમો પણ વિસર્જન સ્થળે તૈનાત કરવામાં આવી હતી. વિસર્જન સ્થળે કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો ભીડ નિયંત્રણ તેમજ ટ્રાફિક વ્યવસ્થાની જાળવણી માટે સ્થાનિક પોલીસ તેમજ એલસીબી ની ટીમો સક્રિય રહી હતી ગ્રામ પંચાયતે તેમજ વહીવટી તંત્રએ આ વખતે પર્યાવરણની જાળવણી પર ખાસ ધ્યાન આપી ભક્તોને ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ અને માટીની સાંઢણી નો ઉપયોગ કરવા અપીલ કરી હતી. અને મોટાભાગના ભક્તોએ આ અપીલને સહર્ષ સ્વીકારી લીધી હતી. જિલ્લામાં આ ઉત્સવે દશામાંના વ્રતની ભક્તિ અને આસ્થાને નવું રૂપ આપ્યું છે.

