નડિયાદ કર્મવીર સુંદરવન સોસાયટીમાંબંધ મકાનમાં રૂ.૧ લાખથી વધુની મત્તાની ચોરી
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ દશામાની મૂર્તિના વિસર્જન માટે પરિવાર ગયો હતો તે દરમિયાન જ તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રૂ. ૧ લાખ ૧ હજાર ૭૦૦ની મત્તાની ચોરી કરી છે. આ ઘટના નડિયાદના મંજીપુરા રોડ પર આવેલી કર્મવીર સુંદરવન સોસાયટીમાં બની હતી, જ્યાં રિક્ષાચાલક જીગ્નેશભાઈ ગુલવાણીના બંધ મકાનમાંથી ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. જીગ્નેશભાઈ અને તેમના પરિવારે દશામાનું જાગરણ કર્યા બાદ વહેલી સવારે લગભગ ૩:૧૫ વાગ્યે મૂર્તિ વિસર્જન માટે કોલેજ રોડ પર આવેલી નહેર ખાતે ગયા હતા. આ તકનો લાભ ઉઠાવીને ચોરોએ તેમના બંધ મકાનના દરવાજાનું તાળું તોડી પ્રવેશ કર્યો હતો. ચોરોએ ઘરનો તમામ સામાન વેરવિખેર કરી નાખ્યો હતો અને તિજોરી તોડી તેમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડા રૂ. ૨૫ હજાર મળીને કુલ રૂ. ૧લાખ ૧ હજાર ૭૦૦ની કિંમતનો મુદ્દામાલ ચોરી લીધો હતો. પરિવાર સવારે ૪:૪૫ વાગ્યે ઘરે પરત ફર્યો ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો જોઈને ચોંકી ગયો હતો. ઘરમાં પ્રવેશતા જ સામાન વેરવિખેર જોઈને તેમને ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. ઘટનાની જાણ થતા જ નડિયાદ ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


https://shorturl.fm/JEYbN
https://shorturl.fm/xGqyn
https://shorturl.fm/OhspR