દેવગઢ બારીયામાં એગ્રોસેન્ટરો પર સરકારની સરપ્રાઈઝ તપાસ
દેવગઢ બારીયામાં એગ્રોસેન્ટરો પર સરકારની સરપ્રાઈઝ તપાસ :
ખાતરની કૃત્રિમ અછત અને ઊંચા ભાવની ફરિયાદો બાદ તપાસમાં ગેરરીતિઓ મળી, સંચાલકો ફરાર

દાહોદ તા.૦૬
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરમાં ચોમાસાની ઋતુ દરમિયાન ખાતરની કૃત્રિમ અછત અને ઊંચા ભાવે વેચાણની ફરિયાદોને ગંભીરતાથી લઈને ગુજરાત સરકારે કડક કાર્યવાહી હાથ ધરી છે. રાજ્ય સરકારના આદેશ મુજબ, અલગ-અલગ જિલ્લાના અધિકારીઓની ટીમો બનાવીને દેવગઢ બારિયા નગરમાં આવેલા એગ્રો સેન્ટરો પર ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ ઝુંબેશમાં નાયબ ખેતી નિયામક, છોટાઉદેપુર, જે.ડી. ચારેલની આગેવાની હેઠળ ખાતરના વેચાણ અને સ્ટોકની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. દેવગઢ બારિયા નગરના ત્રણ એગ્રો સેન્ટરો પર હાથ ધરાયેલી આ તપાસમાં અનેક ગેરરીતિઓ સામે આવી. કેટલાક સેન્ટરો પર ખાતરના સ્ટોક અને ભાવ દર્શાવતું બોર્ડ લગાવેલું ન હતું, જે ખેડૂતો માટે સરળતાથી જોવા માટે જરૂરી છે. આ ઉપરાંત, વેચાણનું રજિસ્ટર ન જાળવવું અને નિયત ભાવ કરતાં વધુ ભાવે ખાતરનું વેચાણ કરવાની બાબતો પણ ધ્યાને આવી. આવી ખામીઓ ધરાવતા એગ્રો સેન્ટરોના સંચાલકોને તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે અને તેમની પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. ચોમાસાની ઋતુમાં દાહોદ જિલ્લામાં ખાતરની અછતની બૂમો ઉઠી છે, જેના કારણે ખેડૂતોને વહેલી સવારથી સાંજ સુધી એગ્રો સેન્ટરો અને એપીએમસી ખાતે લાંબી કતારોમાં ઊભું રહેવું પડે છે. ઘણી જગ્યાએ ખાતરની અછતને કારણે ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે, અને તેઓએ વિરોધ પણ નોંધાવ્યો છે. આ ઉપરાંત, કેટલાક એગ્રો સેન્ટરોના સંચાલકો ખાતરની કૃત્રિમ અછત ઊભી કરીને ખેડૂતોની મજબૂરીનો લાભ લઈ, ઊંચા ભાવે ખાતરનું વેચાણ કરી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે.
આ તપાસ દરમિયાન, કેટલાક એગ્રો સેન્ટરના સંચાલકો તપાસથી બચવા માટે દુકાનોને તાળા મારી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું. નાયબ ખેતી નિયામક જે.ડી. ચારેલે જણાવ્યું કે, “ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા અને ખાતરના વેચાણમાં પારદર્શિતા લાવવા માટે આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અન્ય જિલ્લાના અધિકારીઓની ટીમો દ્વારા એગ્રો સેન્ટરોની નિયમોનું પાલન કરવાની ચકાસણી કરવામાં આવી રહી છે. દેવગઢ બારિયામાં જોવા મળેલી ગેરરીતિઓના આધારે નોટિસ આપવામાં આવી છે.” આગામી દિવસોમાં દાહોદ જિલ્લામાં અન્ય એગ્રો સેન્ટરો પર પણ આવી ઝીણવટભરી તપાસ ચાલુ રહેશે, જેથી ખાતરના વેચાણમાં ગેરરીતિઓ રોકાય અને ખેડૂતોને ન્યાય મળે તેમ છે.
