દાહોદ જિલ્લાની ફેક્ટરીઓ-સંસ્થાનો-ઉદ્યોગોમાં કોવીડ-૧૯ સંદર્ભેની તમામ માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવાનું રહેશે
દાહોદ તા.૯
રાજયમાં અનલોક-૪ ની માર્ગદર્શિકા મુજબ વિવિધ ફેક્ટરીઓ, દુકાનો, સંસ્થાનો ખુલ્લી રહ્યાં છે તથા આંતરરાજય સ્થળાંતરિત શ્રમિકો ગુજરાત રાજયમાં પરત ફરી રહ્યાં છે. ત્યારે આ સંદર્ભે દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી વિજય ખરાડીએ તા. ૮/૯/૨૦૨૦ ના રોજ જાહેરનામું બહાર પાડયું છે. જે આગામી ૩૦ સપ્ટેમ્બર સુધી સમગ્ર દાહોદ જિલ્લામાં લાગુ પડશે.
જાહેરનામા મુજબ ફેક્ટરી, દુકાન, સંસ્થાનના તમામ પરત ફરતા કામદારોને કોવીડ-૧૯ના લક્ષણો માટે તપાસણી કરવાની રહેશે. જે માટેનો ખર્ચ નોકરીદાતાએ ભોગવવાનો રહેશે. જો કોઇ કામદારમાં કોવીડ-૧૯ નાં લક્ષણો જણાય તો તેણે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સૂચનાઓ મુજબ કવોરન્ટાઇન થવાનું રહેશે. તદઉપરાંત કામદારની આરોગ્ય તપાસ કરીને એન્ટીજન ટેસ્ટ કરાવવાનો રહેશે. જેનો એનેક્ષર –એ મુજબ રેકર્ડ રાખવાનો રહેશે તથા કામ પરતા કામદારોની માહીતી એનેક્ષર બી મુજબ જિલ્લા વહીવટી તંત્રને પુરી પાડવાની રહેશે.
નોકરીદાતાએ ખાતરી કરવાની રહેશે કે તમામ કામદારોએ તેઓના મોબાઇલ ઉપકરણો પર આરોગ્ય સેતુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી છે. ફેક્ટરી,સંસ્થાન વિસ્તારમાં વિવિધ સ્થળોએ પૂરતા પ્રમાણમાં સેનિટાઇઝર અને સાબુની વ્યવસ્થા કરવાની રહેશે. ઉપરાંત આ સ્થળે બહુવિધ પાળીમાં કામ કરતા કામદારોને દરેક પાળી પહેલા સ્ક્રીનીંગ કરવાનું રહેશે અને રેકોર્ડ પણ રાખવાનો રહેશે.
દરેક ઉદ્યોગ-સંસ્થા માલિકે બહારથી કામે પરત ફરતા કામદારોનો એન્ટીબોડી ટેસ્ટ પોતાના ખર્ચે વ્યવસ્થા યોજી કરવાનો રહેશે. દરેક કામદારનું તાપમાન થર્મલ સ્ક્રિનિંગ ગનથી ICMR ની ગાઇડલાઇન મુજબ દિવસમાં બે વાર- દિવસની શરૂઆત અને અંતમાં- માપવાનું રહેશે. ફેક્ટરીના દરેક કામદારનું ઓક્સીજન લેવલ પલ્સ ઓક્સીમીટર મારફતે તપાસવાનું રહેશે. જે ૯૪ થી નીચે હોય તેને ટર્સરી હેલ્થ સેન્ટર ખાતે તપાસ અર્થે અચૂક મોકલવાના રહેશે.
એન્ટીબોડીની હાજરી ધરાવતા, શરીરનું તાપમાન યોગ્ય હોય, ઓક્સીજન સેચ્યુરેશન નિયત મર્યાદામાં હોય તેવા કામદાર ફરજ પર જોડાઇ શકશે. જે કામદારોમાં એન્ટીબોડીની હાજરી ન હોય તેઓની તપાસ એન્ટીજન મારફતે કરાવવાની રહેશે અથવા સાત દિવસ ક્વોરન્ટાઇન થવાનું રહેશે. ટેસ્ટ અને ક્વોરન્ટાઇન સેન્ટર ઊભા કરવાની-નિભાવવાની જરૂરી વ્યવસ્થા માલિકે તેઓના ખર્ચે કરવાની રહેશે. જે કામદારોમાં કોઇ લક્ષણ ઉક્ત સમયગાળા દરમ્યાન જણાય, ઉદભવે નહી તેઓ નિશ્ચિંત સમયગાળો પૂર્ણ કરી ફરજ પર ફરી જોડાઇ શકશે. પરંતુ જે કામદારોમાં કોઇ લક્ષણ આ સમયગાળા દરમિયાન જણાય તો તેઓના એન્ટીજન ટેસ્ટ કરાવવાનો રહેશે અને તેની વ્યવસ્થા માલિકે પોતાના ખર્ચે કરાવવાની રહેશે.
એન્ટીજન ટેસ્ટમાં જે કામદાર પોઝિટિવ ન આવે પણ લક્ષણો ધરાવતો હોય તેઓનો આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાનો રહેશે. આ ટેસ્ટ પોઝિટિવ ન આવે તો કામદાર ફરજ પર જોડાઇ શકશે અને જો કામદારનો ટેસ્ટ પોઝિટિવ આવે તો તાત્કાલિક તેને આઇસોલેટ કરી હેલ્પલાઇન નંબર ૧૦૪ જોડી સારવાર અર્થે ખસેડવાના રહેશે. ફેક્ટરી, સંસ્થાનના નોટીસ બોર્ડ પર કોવીડ-૧૯ ના સંક્રમણને અટકાવવા માટે રાખવાની તકેદારી અંગેની જરૂરી માહિતી, હેલ્પલાઇન નંબર વગેરે પ્રદર્શિત કરવાના રહેશે.
ફેક્ટરી, સંસ્થાનમાં તમામ માટે માસ્ક પહેરવાનું ફરજીયાત રહેશે અને આ બાબતે નોકરીદાતાએ ખાસ તકેદારી રાખવાની રહેશે. જે ફેક્ટરી, સંસ્થાનમાં કેન્ટીન આવેલી હોય ત્યાં કેન્ટીન સ્ટાફનાં સ્ક્રિનિંગ અંગે ખાસ ધ્યાન આપવાનું રહેશે. જો કોઇ કામદાર કોવીડ-૧૯ થી સંક્રમિત થાય તો તે અંગે જિલ્લા વહીવટી તંત્રને જાણ કરવાની રહેશે. આ માર્ગદર્શિકા અસંગઠિત કર્મચારીઓ અને રહેણાંક મંડળની સમિતિઓને પણ લાગુ પડશે.
સક્ષમ સત્તાધિકારી ફેક્ટરી, સંસ્થાનની મુલાકાત લઇ આકસ્મિક તપાસ કરવાની રહેશે. જેમાં જાહેરનામાનો ભંગ જણાય તો તેઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત રૂ. ૧ લાખ થી રૂ. ૫ લાખ સુધીનો દંડ પણ ફટકારી, ફેક્ટરી, સંસ્થાન બંઘ કરવામાં આવશે.