સખી વન સ્ટોપ સેન્ટર, દાહોદ દ્વારા ગુમસુદા ૭૫ વર્ષીય વૃધ્ધાને તેના પરિવારજનો સાથે પુન: મીલન કરાવ્યું.
સખી વન સ્ટોપ સેન્ટર, દાહોદ દ્વારા ગુમસુદા ૭૫ વર્ષીય વૃધ્ધાને તેના પરિવારજનો સાથે પુન: મીલન કરાવ્યું
દાહોદ તા.૦૭
દાહોદની સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશરે ૭૫ વર્ષીય ગુમ થયેલ એક વૃધ્ધાને તેમના પરિવારજનો સાથે પુન: મીલન કરાવતાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે. વૃધ્ધા અસ્થિર મગજના હતા અને ઘરેથી થોડા દિવસો પહેલા કોઈને કહ્યા વગર નીકળી ગયાં હતાં ત્યારે દાહોદ સખી વન સ્ટોપ દ્વારા વૃધ્ધાનું કાઉન્સીલીંગ કરી તેમના પરિવારજનો સુધી પહોંચ્યાં હતાં.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કુંડલા ગામના વતની અને અસ્થિર મગજના આશરે ૭૫ વર્ષના વૃધ્ધા મહિલા થોડા દિવસો પહેલા પોતાના ઘરમાં કોઈને કંઈપણ કહ્યા વગર ઘરેથી એકલા નીકળી ગયાં હતાં. પરિવારજનો ચિંતીત હતાં અને વૃધ્ધાની શોધખોળ હાથ ધરતાં હતાં તેવા સમયે વૃધ્ધા ઝાલોદના વેલપુરા ગામે પહોંચી ગયાં હતાં જ્યાં એક જાગૃત નાગરિકે આ અંગેની જાણ ૧૮૧ મહિલા અભયમ ટીમને જાણ કરી હતી. ૧૮૧ મહિલા અભયમની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને જ્યાં ગુમસુદા વૃધ્ધાને લઈ દાહોદ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે તારીખ ૦૪ ઓગષ્ટના રોજ લઈ પહોંચ્યાં હતાં. સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક અંજલીબેન ચૌહાણ અને તેમની ટીમે વૃધ્ધાનું કાઉન્સીલીંગ કરતાં જાણવા મળ્યું હતું કે, વૃધ્ધા ફતેપુરાના કુંડલા ગામના વતની છે. દાહોદ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા વૃધ્ધાના પરિવારજનોની શોધખોળ માટે ફતેપુરાના સુખસર પોલીસ મથકની મદદ લીધી હતી. સુખસર પોલીસ મથકે આ અંગેની જાણ કર્યા બાદ સુખસર પોલીસે ફતેપુરાના કુંડલા ગામના સરપંચનો સંપર્ક કર્યાે હતો અને વૃધ્ધાના ફોટોગ્રાફ વિગેરે માહિતી રજુ કરતાં ગામના સરપંચે મહિલાને ઓળખી બતાવી હતી અને તેના આધારે પોલીસ ગુમસુદા મહિલાના પરિવારજનો સુધી પહોંચી આ અંગેની જાણ સુખસર પોલીસે દાહોદ સખી વન સ્ટોપ સેન્ટરને કરી હતી. સખી વન સ્ટોપ સેન્ટર, દાહોદની ટીમ કુંડલા ગામે ગુમસુદા મહિલાના પરિવારજનો પાસે પહોંચી હતી અને જ્યાં જરૂરી પુછપરછ કરી હતી અને જેના આધારે ગુમસુદા વૃધ્ધાને તેનો પરિવાર પુન: પ્રાપ્ત થયો હતો ત્યારે આજરોજ વૃધ્ધાના પરિવાજનો દાહોદ સખી વન સ્ટોપ ખાતે વૃધ્ધાને લેવા આવી પહોંચ્યાં હતાં જ્યાં સખી વન સ્ટોપ સેન્ટર, દાહોદ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરી સખી વન સ્ટોપ સેન્ટર, દાહોદ દ્વારા ગુમસુદા મહિલાને તેમના પરિવારજનો સાથે સુખદ મીલન કરાવ્યું હતું.

