ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ’ દ્વારા ૪૫ એકમોની સ્થળ તપાસ કરીને ૧૦૫ નમૂનાઓનું સ્પોટ ટેસ્ટિંગ કરાયું
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદમાં તહેવારોમાં નાગરિકોને શુદ્ધ અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો મળી રહે તે હેતુથી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ખેડા-નડિયાદ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. રક્ષાબંધન, જન્માષ્ટમી અને પવિત્ર શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને, તંત્રએ જિલ્લાભરમાં ફરસાણ અને મીઠાઈના એકમો પર દરોડા પાડ્યા હતા.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રની સઘન ઝુંબેશ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ખેડા-નડિયાદના ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા અપાયેલી માહિતી મુજબ, ફૂડ સેફ્ટી ઓફિસરોએ જિલ્લામાં ૨૧ ફરાળી ખાદ્ય ચીજોના નમૂના લીધા હતા. આ ઉપરાંત, ખેડા જિલ્લા અને નડિયાદ કોર્પોરેશનમાં ૨૦ મીઠાઈ અને ફરસાણના એકમોની તપાસ કરીને, ૩૧ નમૂના જેવા કે પેંડા, માવા અને બરફીના એકત્ર કરવામાં આવ્યા હતા. ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ’ દ્વારા સ્થળ પર જ ટેસ્ટિંગ તંત્ર દ્વારા કાર્યરત ‘ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ’ વાન દ્વારા પણ સઘન તપાસ કરવામાં આવી છે. નડિયાદ કોર્પોરેશન અને ખેડા જિલ્લાના તમામ તાલુકાઓમાં ૪૫ જેટલા એકમોની સ્થળ પર જ તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન, મીઠાઈ, તેલ અને બેસન જેવી ખાદ્ય ચીજોના ૧૦૫ જેટલા નમૂનાઓનું સ્પોટ ટેસ્ટિંગ કરીને ગુણવત્તા અને શુદ્ધતાની ચકાસણી કરવામાં આવી હતી. આ ઝુંબેશનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે તહેવારોના સમયમાં નાગરિકોને વેચાતી ખાદ્ય વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાવાળી અને સુરક્ષિત હોય.

