મરીડા કેનાલ પાસે ૩.૩૫ લાખનો વિદેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ: એલ.સી.બી. પોલીસે નડિયાદના સલુણ વાટો વિસ્તારમાં મરીડા ગામ તરફ જતી કેનાલ પાસે આવેલા ખેતરમાંથી પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે હેડ કોન્સ્ટેબલ કનકસિંહને બાતમી મળી હતી કે, રવિભાઈ ગોપાલભાઈ તળપદા, જે નડિયાદના મરીડા ભાગોળના રહેવાસી છે, તેઓ પોતાના માણસો સાથે મળીને હ્યુન્ડાઇ ક્રેટા ગાડી માં વિદેશી દારૂનો જથ્થો લાવ્યા છે અને એક્ટિવા પર દારૂનું કટિંગ કરી રહ્યા છે.
આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈને આરોપીઓ અંધારાનો લાભ લઈને ખેતરોમાં ભાગી ગયા હતા. પોલીસે તેમનો પીછો કર્યો પરંતુ તેઓ પકડાયા નહોતા. પોલીસે સ્થળ પર તપાસ કરતાં ખેતરમાંથી પુઠાના બોક્સમાં રાખેલો વિદેશી દારૂ અને બિયરની પેટીઓ મળી આવી હતી. સાથે જ એક નંબર વગરની એક્ટિવા પણ મળી આવી હતી. એક્ટિવાની ડીકી અને આગળના ભાગમાં કાળી પ્લાસ્ટિકની કોથળીઓમાં પણ દારૂની બોટલો મળી આવી હતી.
પોલીસે કુલ ૧૫૪૨ નંગ દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો, જેની કિંમત રૂ.૩ લાખ ૩૫ હજાર ૪૮૦ છે. આ ઉપરાંત, રૂ.૩૦ હજારની એક્ટિવા પણ જપ્ત કરવામાં આવી હતી. આમ, કુલ રૂ. ૩ લાખ ૬૫ હજાર ૪૮૦ નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.
આ ઘટના બાદ પોલીસે આરોપી રવિભાઈ ગોપાલભાઈ તળપદા અને તેના માણસો વિરુદ્ધ નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીની ક્રેટા ગાડી ઘટનાસ્થળેથી મળી નહોતી.

