નડિયાદની સી.બી. પટેલ આર્ટસ કોલેજમાં આંતર-યુનિવર્સિટી ચિત્ર સ્પર્ધા યોજાઈ
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ: ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી. પટેલ આર્ટસ કોલેજમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે તા. ૧૧ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ આંતર-યુનિવર્સિટી ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ચાર યુનિવર્સિટીઓમાંથી ૪૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં કલા કૌશલ્યનો વિકાસ કરવાનો હતો. સ્પર્ધાના વિષયોમાં આપણા સાંસ્કૃતિક વારસાનું જતન, આઝાદીના ઘડવૈયા, પવન વૃક્ષ અને પાણી, એક ભારત શ્રેષ્ઠ ભારત, અને પ્લાસ્ટિક મુક્ત ભારત જેવા પ્રેરણાદાયક વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ આ વિષયો પર સુંદર ચિત્રો દોરી પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડો. ચિંતનભાઈ ભટ્ટ જે.એસ. આર્યુવેદ મહાવિદ્યાલય, હિતેશભાઈ બ્રહ્મભટ્ટ વાલ્લા પ્રાથમિક શાળા, અને ડો. કલ્પનાબેન ભટ્ટ સી.બી. પટેલ આર્ટસ કોલેજ ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધાના અંતે વિજેતાઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રથમ ક્રમ: સોઢા ચિરાગકુમાર વિક્રમભાઈ આઈ.વી. પટેલ કોમર્સ કોલેજ દ્વિતીય ક્રમ: અંજુમ અખ્તર અલી અન્સારી ઇલ્સાસ કોલેજ, સી.વી.એમ. યુનિવર્સિટી તૃતીય ક્રમ કા.પટેલ પ્રિયાંશી પંકજભાઈ સી.બી. પટેલ આર્ટસ કોલેજ આ ઉપરાંત, બે વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવ્યા હતા. જેમાં પટેલ માહી રાકેશકુમાર શાહ કે.એસ. એન્ડ વી.એમ. પરીખ કોમર્સ કોલેજ અને પ્રજાપતિ શ્વેતા વિક્રમભાઈ સી.બી. પટેલ આર્ટસ કોલેજ નો સમાવેશ થાય છે.

