નડિયાદના સંતરામેશ્વર મહાદેવ મંદિરે ૫૦૧ કમળનો દિવ્ય અભિષેક
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ: પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે નડિયાદના પ્રસિદ્ધ સંતરામેશ્વર મહાદેવ કમંડલકુંડ ખાતે એક દિવ્ય અને આકર્ષક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતના આશીર્વાદ, વર્તમાન મહંત પરમ પૂજ્ય રામદાસજી મહારાજની આજ્ઞા અને સંત શ્રી શિવરામદાસજી મહારાજના સાનિધ્યમાં આયોજિત આ કાર્યક્રમમાં શ્રી સંતરામ નિત્ય દર્શન ગ્રુપ દ્વારા શિવલિંગને ૫૦૧ કમળનો અભિષેક કરવામાં આવ્યો હતો.
શિવ અભિષેક બાદ ભક્તિભાવપૂર્વક આરતી પણ કરવામાં આવી હતી. શ્રાવણ મહિનાના મહાત્મ્યને કારણે, સવારથી જ મોટી સંખ્યામાં શિવભક્તોની ભીડ ઉમટી પડી હતી. શ્રદ્ધાળુઓએ અભિષેકના દર્શન કરી શિવજીની આરાધના કરી અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો.
સમગ્ર વાતાવરણ ‘હર હર મહાદેવ’ અને ‘જય મહારાજ’ના ગગનચુંબી નારાથી ગુંજી ઉઠ્યું હતું, જેના કારણે ભક્તોમાં અનેરો ઉત્સાહ અને શ્રદ્ધા જોવા મળી હતી. આ દિવ્ય કાર્યક્રમે શ્રદ્ધાળુઓને ભક્તિ અને આધ્યાત્મિકતાના માર્ગે વધુ પ્રેરણા આપી હતી.
