ઠાસરાની માતંગી સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી ૧.૮૫ લાખની ચોરી
નરેશ ગનવાણી નડિયાદ

ઠાસરાની માતંગી સોસાયટીમાં રહેતા ખેડૂત આરીફઅલી સૈયદના બંધ મકાનમાં ચોરીની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. તસ્કરોએ લોખંડના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.૧.૮૫ લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. મકાન માલિકે આ અંગે ઠાસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આરીફઅલી સૈયદ ગત ૧૯ ઓગસ્ટના રોજ રાત્રિ રોકાણ માટે પોતાના સાળાના ઘરે ગયા હતા. આ તકનો લાભ ઉઠાવી તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. બીજા દિવસે સવારે જ્યારે આરીફઅલી પોતાના ઘરે પરત ફર્યા, ત્યારે તેમણે ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો અને તેનો નકુચો તૂટેલો જોયો હતો. અંદર જઈને તપાસ કરતા ઘરના બંને રૂમના સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યા હતા. તસ્કરોએ પેટીપલંગ અને તિજોરીઓ ખોલી નાખી હતી. ચોરોએ નવી તિજોરીના ચોરખાનામાંથી રૂ. ૪૫ હજાર રોકડા અને જૂની તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ.૧.૮૫ લાખની કિંમતની વસ્તુઓની ચોરી કરી હતી. આ ચોરીની ઘટના અંગે આરીફઅલી સૈયદે તાત્કાલિક ઠાસરા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ કાર્યવાહી કરી રહી છે.

https://shorturl.fm/uB9o3