વલસાડ બેંકના ચેરમેન અને ડિરેક્ટર્સની ખેડા બેંકની મુલાકાત: ડિજિટલ સેવાઓથી પ્રભાવિત
નરેશ ગનવાણી નડિયાદ

ગુજરાતની અગ્રણી જિલ્લા બેંક, ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડની આજે ધી વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડના ચેરમેન અરવિંદભાઈ પટેલ અને સંચાલક મંડળના સભ્યોએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ ખેડા બેંકની આધુનિક બેંકિંગ સુવિધાઓ અને ડિજિટલ પહેલનો અભ્યાસ કરવાનો હતો.
વલસાડ બેંકના ચેરમેન અને ડિરેક્ટર્સનું ખેડા બેંકના કાર્યશીલ ચેરમેન તેજસભાઈ પટેલે સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન, વલસાડ બેંકના મહેમાનોએ ખેડા બેંકની વિવિધ ડિજિટલ સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને ટેબલેટ બેંકિંગ, લોન મેનેજમેન્ટ સિસ્ટમ, મોબાઈલ બેંકિંગ, વોટ્સએપ બેંકિંગ, અને QR કોડ જેવી સુવિધાઓથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. આધુનિક સુવિધાઓથી સજ્જ નવનિર્મિત ‘સરદાર પટેલ સહકાર ભવન’ જોઈને પણ મહેમાનોએ ખુશી વ્યક્ત કરી હતી. વલસાડ બેંકના ચેરમેન અરવિંદભાઈ પટેલે ખેડા બેંક દ્વારા સહકારી ક્ષેત્રમાં ટેકનોલોજી અપનાવવા બદલ તેજસભાઈ પટેલ અને તેમની ટીમના પ્રયાસોની પ્રશંસા કરી હતી. આ મુલાકાત દરમિયાન વલસાડ બેંકના ડિરેક્ટર્સ હિતેશભાઈ પટેલ, શ્રી પૃથ્વીરાજ કે. મહેતા, જીવણભાઈ ગામીત, મગનભાઈ ડી. પટેલ, અને જશવંતભાઈ જી. ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાતથી બંને સહકારી બેંકો વચ્ચે અનુભવો અને જ્ઞાનનું આદાન-પ્રદાન થયું હતું, જે ભવિષ્યમાં અન્ય બેંકો માટે પણ પ્રેરણાદાયક બની રહેશે.

https://shorturl.fm/U2Rxt
https://shorturl.fm/6Qwzi