નડિયાદમાં રખડતી ગાયોનો ત્રાસ યથાવત: દાદા અને પૌત્રીનો આબાદ બચાવ
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ શહેરની નગરપાલિકા દ્વારા રખડતી ગાયોના ત્રાસને નિયંત્રિત કરવા માટે નીતિઓ જાહેર કરવામાં આવી હોવા છતાં, શહેરમાં આ સમસ્યા યથાવત છે. શનિવારે વધુ એક ઘટના બની, જેમાં રખડતી ગાયોએ એક વૃદ્ધ અને તેમની માસૂમ પૌત્રીના જીવને જોખમમાં મૂક્યો હતો. જોકે, આસપાસના લોકોની મદદથી બંનેનો આબાદ બચાવ થયો હતો.
નડિયાદના ચકલાસી ભાગોળ વિસ્તારમાં રહેતા ધુળાભાઈ પૂનમભાઈ તળપદા તેમની પૌત્રી જાનકીને પરીક્ષા આપવા માટે સ્કૂલે મૂકવા જઈ રહ્યા હતા. આ દરમિયાન, ચકલાસી ભાગોળ પાસે બે ગાયો અચાનક લડવા લાગી અને તેમણે ધુળાભાઈના મોપેડને અડફેટે લીધું. આ અકસ્માતમાં દાદા અને પૌત્રી બંને માર્ગ પર પટકાયા હતા. સદનસીબે, ગાયો તેમને વધુ નુકસાન પહોંચાડે તે પહેલાં જ આસપાસના લોકો દોડી આવ્યા અને બંનેને ઊભા કરીને રોડની એક બાજુએ સલામત રીતે બેસાડ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ તેમનો પરિવાર ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ ઘટનામાં ધુળાભાઈને પગમાં ઈજા થઈ હતી, જેથી તેમને તાત્કાલિક સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગાયના અચાનક હુમલાથી જાનકી પણ આઘાતમાં સરી પડી હતી. આ ઘટના ફરી એકવાર નગરપાલિકાની રખડતી ગાયોને નિયંત્રિત કરવામાં નિષ્ફળતાને ઉજાગર કરે છે. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી રહ્યા છે.
