મહેમદાવાદ પાસેથી રૂ. ૬૧ લાખનો દારૂ સાથે બે આરોપી ઝડપાયા
નરેશ ગનવાણી નડિયાદ

ખેડા એલ.સી.બી. સ્ટાફને મહેમદાવાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મોટી સફળતા મળી છે. પોલીસે રુદણ બાદલા સીમ વિસ્તારમાં એક ખેતરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દારૂની કુલ કિંમત રૂ. ૬૧ લાખ ૪૭ હજાર ૬૦૦ જેટલી છે. પોલીસે આ ગુનામાં બે રાજસ્થાની આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે અને કુલ રૂ. ૬૮ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ સબ-ઈન્સ્પેક્ટર આર.કે. સોલંકીને બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે, સોનુ લક્ષ્મણસિંહ રાજપૂત દ્વારા મંગાવવામાં આવેલો દારૂનો મોટો જથ્થો અર્જુન ગુણવંતભાઈ બારોટના ખેતરમાં આવેલ મકાન પાસે ઊભો છે. આ માહિતીના આધારે, પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી. પોલીસને જોઈને કેટલાક લોકો ભાગી ગયા હતા, પરંતુ પોલીસે સમયસર કાર્યવાહી કરીને બે ઈસમોને પકડી પાડ્યા.
સ્થળ પર તપાસ કરતા, પોલીસને એક ટ્રેક્ટર ટ્રોલી, એક આઇશર ગાડી, એક હોન્ડા એક્ટિવા અને એક હોન્ડા સાઈન બાઇક મળી આવ્યા. આ ઉપરાંત, પતરાના શેડ નીચે પણ દારૂના બોક્સ ગોઠવેલા હતા. પોલીસે કુલ ૧૩,૯૮૦ નાની-મોટી દારૂની બોટલો જપ્ત કરી.
જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રૂ. ૬૧,૪૭,૬૦૦ ની કિંમતનો દારૂ, રૂ. ૧ લાખનું ટ્રેક્ટર ટ્રોલી, રૂ. ૫ લાખની આઇશર ગાડી, રૂ. ૫૦ હજારના બે ટુ-વ્હીલર, રૂ. ૧૦ હજારના બે મોબાઈલ ફોન અને રૂ. ૧૫૦૦ રોકડાનો સમાવેશ થાય છે, જેનો કુલ કિંમત રૂ. ૬૮ લાખ ૯ હજાર ૧૦૦ થાય છે. પકડાયેલા બે આરોપીઓની પૂછપરછ કરતા તેમના નામ કુલદિપસિંહ રાણસિંહ રાઠોડ (રહે. જોધપુર, રાજસ્થાન) અને મોન્ટુકુમાર સતીષકુમાર જીનગર (રહે. બાલોતરા, રાજસ્થાન) હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત, અન્ય ફરાર આરોપીઓ વિરુદ્ધ પણ મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
