સાબરમતી નદીના પ્રવાહથી ખેડાના પથાપુરા અને કલોલીને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ
નરેશ ગનવાણી નડિયાદ

ઉપરવાસમાં ભારે વરસાદ અને સાબરમતી નદીમાં પાણીની આવક વધતાં ખેડાના પથાપુરા અને કલોલીને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે. આ પરિસ્થિતિને કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
નદીના પાણી ફક્ત રોડ પર જ નહીં, પરંતુ પથાપુરા અને કલોલી સીમ વિસ્તારના નીચાણવાળા ખેતરોમાં પણ ઘૂસી ગયા છે. અંદાજે ૧ હજાર હેક્ટરથી વધુ જમીન જળમગ્ન થતાં ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે. જો નદીની જળસપાટીમાં હજુ વધારો થશે, તો પૂરનું પાણી સીધું જ પથાપુરા ગામમાં પ્રવેશવાની શક્યતા છે, જેનાથી ગામમાં પૂરનું જોખમ વધી જશે. પાણી રોડ પર ફરી વળવાને કારણે વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. ટૂ-વ્હીલર કે ફોર-વ્હીલર વાહનોને બદલે ટ્રેક્ટર પર અવરજવર કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી અવરજવર ટાળવાની સૂચના આપવામાં આવી છે. પાણીનું સ્તર સતત વધી રહ્યું હોવાથી સ્થાનિકોમાં ભયનું વાતાવરણ છે. ડેમમાંથી જો ૧ લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવશે, તો ખેડા તાલુકાના ૧૨ જેટલા ગામોને તેની સીધી અસર થવાની સંભાવના છે, જેમાં નાની કલોલી, પથાપુરા, રસિકપુરા, ચિત્રાસર, અને ધરોડા જેવા ગામોનો સમાવેશ થાય છે. આ સંભવિત પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ખેડા પ્રાંત અધિકારી સૂરજ બારોટ અને મામલતદાર જે.કે. ખસિયાએ આજે પથાપુરા ગામની મુલાકાત લીધી હતી અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
