નડિયાદમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ: પર્યુષણ પર્વ નિમિત્તે મુસ્લિમ સમાજે કતલખાના સ્વયંભૂ બંધ રાખ્યાં
નરેશ ગનવાણી નડિયાદ

પર્વાધિરાજ પર્યુષણ પર્વના પાવન અવસર પર કોમી એકતા અને સદભાવનાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતાં, નડિયાદના મુસ્લિમ સમાજે સંવત્સરીના પવિત્ર દિવસે સ્વયંભૂ રીતે કતલખાના બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. આ સરાહનીય પગલા બદલ મુસ્લિમ સમાજના સભ્યોએ નડિયાદ જૈન સંઘના ઉપાશ્રયની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓએ જૈન મુનિ શ્રી સુભાષિત મહારાજ સાહેબ અને શ્રી નંદાવ્રત મહારાજ સાહેબ સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં મુલાકાત કરી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય સર્વધર્મ સમભાવ અને એકબીજાના તહેવારો પ્રત્યે આદરભાવ દર્શાવવાનો હતો. શ્રી સુભાષિત મહારાજ સાહેબે મુસ્લિમ સમાજના આ પગલાને બિરદાવતા જણાવ્યું હતું કે આવા પ્રસંગો સમાજમાં પરસ્પર પ્રેમ અને ભાઈચારો વધારે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આવા સદભાવનાના કાર્યોથી જ દેશની સાચી ઓળખ પ્રસ્થાપિત થાય છે. આ મુલાકાતથી નડિયાદમાં હિન્દુ અને મુસ્લિમ સમાજ વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે અને ભવિષ્યમાં પણ આવા સદભાવનાના પ્રસંગો યોજાતા રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે ધર્મ ભલે અલગ હોય, પરંતુ માનવતાનો ધર્મ સર્વોપરી છે.
