નડિયાદનું ભોજપત્રી વૃક્ષ: એક અનોખો વારસો

નરેશ ગનવાણી નડિયાદ

ગુજરાતમાં વન મહોત્સવની ઉજવણી ચાલી રહી છે ત્યારે, નડિયાદના જે & જે કોલેજ ઓફ સાયન્સ ખાતે આવેલું ભોજપત્રી વૃક્ષ રાજ્યનો એક અનોખો અને મહત્ત્વપૂર્ણ વારસો બની રહ્યું છે. આ દુર્લભ વૃક્ષને ગુજરાત સરકાર દ્વારા હેરિટેજ વૃક્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને ખેડા વન વિભાગ દ્વારા તેને આરક્ષિત પણ કરવામાં આવ્યું છે.
આ વૃક્ષનું વૈજ્ઞાનિક નામ ‘મેલાલ્યુકા લ્યુકોડેન્ડ્રન’ છે અને તે ‘કાયાપુટી’ કે ‘કાજુપુટી’ તરીકે પણ ઓળખાય છે. લગભગ ૭૫ વર્ષ જૂનું આ વૃક્ષ ૧૯૫૦માં કોલેજના બોટનિકલ વિભાગના તત્કાલીન અધ્યક્ષ પી.એસ. ટુર દ્વારા રોપવામાં આવ્યું હતું. આ વૃક્ષની છાલની એક ખાસિયત છે કે તે પાણીમાં કોહવાતી નથી અને તેના પર ઊધઈ લાગતી નથી, જેના કારણે પ્રાચીન સમયમાં જ્યારે કાગળની શોધ નહોતી થઈ ત્યારે ઋષિ-મુનિઓ તેનો ઉપયોગ વેદો અને શાસ્ત્રોના ગ્રંથો લખવા માટે કરતા હતા. જે & જે કોલેજ ઓફ સાયન્સનું બોટનિકલ ગાર્ડન માત્ર ભોજપત્રી વૃક્ષનું જ નહીં, પરંતુ અનેક દુર્લભ અને આયુર્વેદિક મહત્વ ધરાવતા વૃક્ષોનું આશ્રયસ્થાન છે. અહીં તોપગોળો, રુખડો, રક્તચંદન, ગુગળ, ખેર, અંબાડો, હરડે, બહેડો જેવાં વૃક્ષો જોવા મળે છે, જેમાંથી અનેક વનસ્પતિઓ વિવિધ બિમારીઓના ઉપચાર માટે ઉપયોગી છે. ઉદાહરણ તરીકે, અશોક વૃક્ષની છાલ સ્ત્રી રોગ માટે અને કડાછાલ એન્ટિબાયોટિક તરીકે ઉપયોગી છે. આ ગાર્ડન લગભગ ૬ એકરના વિસ્તારમાં ફેલાયેલો છે, જેમાં ૪૦૦થી વધુ નષ્ટપ્રાય વનસ્પતિઓ અને અનેક પક્ષીઓ, સાપ તથા અન્ય સરીસૃપો નિવાસ કરે છે.
આ બોટનિકલ ગાર્ડન, એક જીવંત પ્રયોગશાળા તરીકે, પ્રકૃતિ અને આયુર્વેદના જ્ઞાનનો સંગમ રજૂ કરે છે. આ ભોજપત્રી વૃક્ષ ગુજરાતના વનસ્પતિશાસ્ત્રના ઇતિહાસમાં એક ગૌરવવંતુ પ્રકરણ છે અને તેનું સંરક્ષણ આપણા પ્રાકૃતિક વારસાને જાળવી રાખવા માટે અત્યંત જરૂરી છે.

2 thoughts on “નડિયાદનું ભોજપત્રી વૃક્ષ: એક અનોખો વારસો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!