ગળતેશ્વર વન: ૨૪મું સાંસ્કૃતિક વન, પ્રકૃતિ અને સંસ્કૃતિનો સંગમ, મુખ્યમંત્રી હસ્તે લોકાપર્ણ
નરેશ ગનવાણી નડિયાદ

આગામી ૩૦ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગળતેશ્વર ખાતે ૨૪માં સાંસ્કૃતિક વનનું લોકાપર્ણ થવા જઈ રહ્યું છે. ખેડા જિલ્લાના ગળતેશ્વર મુકામે પૌરાણિક શિવ મંદિર નજીક, મહી નદીના કિનારે આ ગળતેશ્વર વન વિકસાવવામાં આવ્યું છે. અંદાજે ૭.૦૦ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા આ વનમાં ૧.૫ લાખથી વધુ છોડ, રોપા અને વૃક્ષો ઉછેરવામાં આવનાર છે. આ સાંસ્કૃતિક વન પ્રકૃતિ અને સંસ્કૃતિનો અદ્ભુત સેતુ બની રહેશે. તેની મુખ્ય વિશેષતા ૧૨ અલગ-અલગ થીમેટિક વન છે, જેમાં શિવલિંગ વન, બિલિપત્ર વન, નક્ષત્ર વન, રાશિ વન, નવગ્રહ વન, પંચવટી વન, ચરક વન, નંદી વન, બામ્બુ મિસ્ટ ટનલ, મેઝ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન અને બાળ ક્રિડાંગણનો સમાવેશ થાય છે.
પ્રવેશદ્વાર પર નટરાજની શિલ્પકૃતિ મુકવામાં આવી છે, જે કલા અને આધ્યાત્મનો સુભગ સમન્વય દર્શાવે છે. અહીં તીર્થયાત્રીઓ માટે શિવલિંગ વન અને બિલિપત્ર વન શાંતિ અને શ્રદ્ધાનો અનુભવ કરાવશે. નક્ષત્ર અને રાશિ વનમાં પૌરાણિક માન્યતા મુજબ વિવિધ જાતના વૃક્ષો વાવવામાં આવ્યા છે, જ્યારે નવગ્રહ વન અને પંચવટી વન પરંપરાને જીવંત રાખશે.
પર્યાવરણ પ્રેમીઓ માટે બટરફ્લાય ગાર્ડન એક ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે, જ્યાં પતંગિયાઓને આકર્ષિત કરતા છોડ વાવવામાં આવ્યા છે. બાળકો માટે મેઝ ગાર્ડન અને બાળ ક્રિડાંગણ મનોરંજનનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત, દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતો ત્રિરંગા સ્ટેપ ગાર્ડન પણ તૈયાર કરવામાં આવ્યો છે. મુલાકાતીઓની સુવિધા માટે કેન્ટીન, પાર્કિંગ, અને પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગળતેશ્વર વન માત્ર એક પ્રાકૃતિક સ્થળ ન રહેતા પર્યાવરણ સંવર્ધન, કલા, સંસ્કૃતિ અને પર્યટનને પ્રોત્સાહન આપશે.