લિંબાસી પોલીસ સ્ટેશનનો પોલીસ કોન્સ્ટેબલ રૂ. ૪૦ હજાર ની લાંચ લેતા ઝડપાયો
નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલા લિંબાસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલને એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, લિંબાસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અન આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ પંકજકુમાર તખતસંગ મેર સામે આ લાંચ કૌભાંડનો કેસ નોંધાયો છે. પંકજકુમાર મેરે ફરિયાદી પાસે જાહેરનામા ભંગનો ગુનો ન નોંધવા માટે પહેલા રૂ. ૬૦ હજાર ની લાંચ માંગી હતી. જોકે, લાંબી રકઝક અને વાટાઘાટો બાદ આ રકમ રૂ. ૪૦ હજાર માં નક્કી થઈ હતી. ACBએ છટકું ગોઠવી રંગેહાથ ઝડપ્યો
લાંચ આપવાને બદલે ફરિયાદીએ ખેડા ACBનો સંપર્ક કર્યો અને આ સમગ્ર મામલાની જાણ કરી. માહિતી મળતા જ ACBએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી. ૨૮ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ ACBની ટીમે લિંબાસી-તારાપુર રોડ પર છટકું ગોઠવ્યું હતું. આ છટકામાં કોન્સ્ટેબલ પંકજકુમાર મેર રૂ. ૪૦ હજાર ની લાંચ સ્વીકારતા જ ACBએ તેને રંગેહાથ ઝડપી પાડ્યો. ACBએ કોન્સ્ટેબલ પાસેથી લાંચની રકમ પણ જપ્ત કરી છે. પકડાયેલ આરોપી કોન્સ્ટેબલ આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના મોટા કલોદરા ગામનો રહેવાસી છે.