આર્ટસ કોલેજ, ફતેપુરા ખાતે સિકલ સેલ એનિમિયા માટે સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો
પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તા.૨૯


ફતેપુરા આર્ટસ કોલેજ ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ઉદય ટીલાવટ અને એપેડેમિક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. રાકેશ વોહનીયાના માર્ગદર્શન હેઠળ સિકલ સેલ એનિમિયા માટે નિઃશુલ્ક સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનો મુખ્ય ઉદ્દેશ કોલેજના વિદ્યાર્થી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોમાં સિકલ સેલ અંગે જાગૃતિ લાવવી અને સમયસર રોગની ઓળખ કરી યોગ્ય સારવાર તરફ દોરી જવાનો હતો.આ કાર્યક્રમ જિલ્લા આરોગ્ય વિભાગના સહયોગથી યોજવામાં આવ્યો હતો. કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ સ્થાનિક નાગરિકો સહિત કુલ ૧૪૮ લોકોના રક્તપરીક્ષણ માટે સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. DTT (Dithionite Tube Test) દ્વારા રક્ત ચકાસણી, જરૂરિયાત મુજબ વધુ તપાસ માટે HPLC ટેસ્ટના સંદર્ભ આપ્યા, રોગ વિશે માહિતી આપતી જાગૃતતા પ્રવૃત્તિઓ, જાણીતા તબીબો દ્વારા રૂબરૂ સલાહ, સિકલ સેલ ટ્રેઇટ ધરાવતા વિદ્યાર્થીઓને સલાહ અને અનુગામી માર્ગદર્શન આપવા જેવી વિશેષતાઓ હતી.
કેમ્પ દરમિયાન આરોગ્ય તજજ્ઞોએ સીકલ સેલ એનિમિયા શું છે, તેનું વારસાગત સ્વરૂપ અને તેના લીધે થતી અસરો વિશે વિસ્તૃત માહિતી આપી. વિદ્યાર્થીઓ અને ભાઈ બહેનો માટે પ્રી-મેરિજર કાઉન્સેલિંગ તથા જનરલ હેલ્થ એજયુકેશન પણ આપવામાં આવ્યું હતું. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. મનહર ચરપોટએ જણાવ્યું કે, આ પ્રકારના આરોગ્ય કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં ફક્ત શૈક્ષણિક વિકાસ જ નહીં, પરંતુ સ્વાસ્થ્ય જાગૃતિ પણ પ્રેરિત થાય છે. આવનારા સમયમાં આવી વધુ પ્રવૃત્તિઓ યોજવાનું નિર્ધારણ કરવામાં આવ્યું છે.