ખેડા જિલ્લામાં ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ની ઉજવણી: રમતવીરોનું સન્માન અને ખેલ-કૌશલ્યનું પ્રદર્શન

નરેશ ગનવાણી નડિયાદ

હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે, ખેડા જિલ્લા વહીવટી તંત્ર અને રમતગમત કચેરી દ્વારા નડિયાદમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની  ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમનો પ્રારંભ સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે જિલ્લા રમતગમત સંકુલ, મરીડા ભાગોળ ખાતે થયો હતો, જેમાં ‘હર ગલી, હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન’ અને ‘ખેલે ભી, ખીલે ભી’ થીમ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું.
આંતરરાષ્ટ્રીય રમતવીરોનું સન્માન
આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવનારા છ રમતવીરોનું સ્મરણભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં તીરંદાજીમાં પઢિયાર મૈત્રી અરવિંદભાઈ અને ભગોરા ભાર્ગવી વર્ગીસકુમાર, જુડોમાં કારેલિયા રીસીતા હરિભાઈ, ટેકવાન્ડોમાં શુક્લા આયુષ મહેન્દ્રભાઈ, અને વોલીબોલમાં ગામીત મીનલબેનનો સમાવેશ થાય છે.
યુવા ખેલાડીઓને સંબોધતા સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે રમતગમત યુવાનોમાં રાષ્ટ્રીય એકતા, શક્તિ, ટીમવર્ક અને નેતૃત્વ જેવા ગુણો વિકસાવે છે. કલેક્ટર અમિત પ્રકાશ યાદવે પણ રમતગમતના મહત્વ પર ભાર મૂકતા શિસ્ત અને સમર્પણની ભાવનાને પ્રોત્સાહન આપવા અને મેજર ધ્યાનચંદના જીવનમાંથી પ્રેરણા લેવા યુવાનોને પ્રોત્સાહિત કર્યા. આ ઉજવણીના ભાગરૂપે રમત સંકુલના ૩૦૦થી વધુ ખેલાડીઓએ ઇન્ટ્રામુરલ વોલીબોલ અને એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉપરાંત, તમામ ખેલાડીઓએ તંદુરસ્તી અને ‘ફિટ ઇન્ડિયા’ માટેના શપથ પણ લીધા હતા. આ પ્રસંગે ખેલ-મહાકુંભ ૨૦૨૫ માટેના રજિસ્ટ્રેશનની પણ શરૂઆત કરવામાં આવી હતી.
ઉપસ્થિતિ અને આયોજન
આ કાર્યક્રમમાં નડિયાદ મહાનગરપાલિકાના કમિશ્નર જી.એચ. સોલંકી, જિલ્લા શિક્ષણાધિકારી કલ્પેશભાઈ રાવલ, વિવિધ અધિકારીઓ, ખેલપ્રેમીઓ અને ખેલાડીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની આભારવિધિ રમતગમત વિકાસ અધિકારી મનસુખ તાવેથીયાએ કરી હતી. સમગ્ર ખેડા જિલ્લામાં આ ઉજવણી ૩૧ ઓગસ્ટ, ૨૦૨૫ સુધી વિવિધ રમતોના આયોજન સાથે ચાલુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!