નડિયાદમાં બે ઇંચ વરસાદ: ત્રણ અન્ડરપાસમાં પાણી ભરાયાં, જનજીવન પ્રભાવિત

નરેશ ગનવાણી નડિયાદ

આજે સવારે નડિયાદ શહેરમાં વરસેલા ધોધમાર વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. માત્ર બે કલાકના ટૂંકા ગાળામાં બે ઇંચ વરસાદ નોંધાતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.
શહેરના કુલ ચાર અન્ડરપાસ પૈકી ત્રણમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત, કલેકટર કચેરી અને જિલ્લા પંચાયત કચેરી નજીકના ડભાણ રોડ પર પણ પાણી ભરાયાં હતાં, જેના કારણે વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો.
શહેરના નીચાણવાળા વિસ્તારો જેવા કે શૈશવ હોસ્પિટલનો ખાંચો, સંતરામ મંદિર પાછળનો વિસ્તાર, દેસાઈ વગા જવાનો રોડ અને વીકેવી રોડ પણ જળબંબાકારની સ્થિતિમાં જોવા મળ્યા હતા. જોકે, હાલ વરસાદે વિરામ લેતાં ભરાયેલા પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે. જિલ્લાના અન્ય તાલુકાઓ જેવા કે માતર, ખેડા, મહેમદાવાદ, કપડવંજ, ઠાસરા, ગળતેશ્વર અને વસોમાં પણ છૂટાછવાયા ઝાપટાં નોંધાયા છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે, જેને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે અને લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!