નડિયાદની સી.બી.પટેલ આર્ટસ કોલેજમાં ‘મોડર્ન સ્કિલ ટ્રેનિંગ પ્રોગ્રામ’નો વર્કશોપ યોજાયો
નરેશ ગનવાણી નડિયાદ

ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી.પટેલ આર્ટસ કોલેજના અર્થશાસ્ત્ર વિભાગ અને પ્રથમ ઇન્ફોટેક ફાઉન્ડેશન-IBMના સંયુક્ત ઉપક્રમે શનિવારે ‘મોડર્ન સ્કિલ ટ્રેનિંગ પ્રોગ્રામ ફોર પ્રોફેશનલ ડેવલપમેન્ટ’ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન કોલેજના આચાર્ય પ્રો. ડો. મહેન્દ્રકુમાર દવેએ સંભાળ્યું હતું. અધ્યક્ષસ્થાનેથી બોલતા પ્રો. ડો. મહેન્દ્રકુમાર દવેએ જણાવ્યું કે વર્તમાન સમય સ્પર્ધા અને કૌશલ્યનો છે. તેમણે મહાભારતના પાત્રો જેવા કે અર્જુન, નકુલ, સહદેવ અને ભીમના ઉદાહરણો આપીને ટેકનિકલ અને સોફ્ટ સ્કિલ્સનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને વૈદિક કાળની કલાઓમાંથી પ્રેરણા લઈને આધુનિક સમયની સ્કિલ્સ અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. પ્રથમ ઇન્ફોટેક ફાઉન્ડેશન-IBMના કોઓર્ડિનેટર ઇમ્તિયાઝભાઈ સૈયદે IBM-સ્કિલબિલ્ડ વર્કશોપ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે શ્રી કૃષ્ણ, અર્જુન, દાનવીર કર્ણ અને ભીષ્મ પિતામહ જેવા મહાભારતના પાત્રો દ્વારા પરંપરાગત, ટેકનિકલ અને સોફ્ટ સ્કિલ્સનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે યુવાનોને ડિજિટલ સાક્ષરતા અને ભવિષ્યમાં આવનારી નવી એપ્લિકેશન્સ માટે તૈયાર રહેવા પર ભાર મૂક્યો હતો.
આ ત્રણ-દિવસીય વર્કશોપ (તા. ૨૮, ૨૯ અને ૩૦ ઓગસ્ટ) દરમિયાન કુલ ૪૩૦ વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ચાર મોડ્યુલ્સની વિસ્તૃત સમજૂતી આપીને તેમનો ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવ્યો હતો, જેના ઈ-સર્ટિફિકેટ્સ પણ વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના સંયોજક પ્રા. આર. બી. સક્સેનાએ ઓનલાઈન સર્ટિફિકેટ કોર્સ અને મોડર્ન સ્કિલ્સના મહત્વ વિશે વાત કરી હતી. આ કાર્યક્રમમાં અર્થશાસ્ત્રના સેમ-૧, ૩, ૫ અને એમ.એ. સેમ-૧, ૩ના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
https://shorturl.fm/OuU71