નંબર વગરની સ્વિફ્ટ કારમાંથી રૂ. ૨.૯૩ લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એક શખ્સની ધરપકડ

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ તાલુકાના ચકલાસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી નંબર વગર પ્લેટની મારુતિ સ્વિફ્ટ કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કારમાંથી કુલ ૧૩૨૦ નંગ દારૂની બોટલો કબ્જે કરી છે, જેની કિંમત રૂ. ૨ લાખ ૯૩ હજાર ૫૨૦ થવા જાય છે. આ મામલે પોલીસે એક આરોપીની પણ ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એલસીબી પોલીસના જયેશ કુમાર વાલજીભાઈ ને બાતમી મળી હતી કે, એક સફેદ કલરની નંબર પ્લેટ વગરની મારુતિ સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ઉતરસંડા ચોકડીથી ચકલાસી તરફ જઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે નાયરા પેટ્રોલ પંપ પાસે વોચ ગોઠવી હતી. થોડા સમય બાદ, બાતમીમાં વર્ણન કરેલી કાર આવતા પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો, પરંતુ કારના ચાલકે ગાડી રોકવાને બદલે ચકલાસી ગામ તરફ ભગાવી હતી.
પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને કારને આંતરી હતી અને તેને રોકાવી હતી. કાર ઊભી રહેતા જ ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેને ઘટનાસ્થળે જ ઝડપી લીધો હતો.
પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનું નામ જયેશ ઉર્ફે જયલો સામંતભાઈ તળપદા હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારની તપાસ કરતા સીટ અને ડેકીમાંથી પુઠ્ઠાના બોક્સમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાંથી રૂ. ૨ લાખ ૯૩ હજાર ૫૨૦ની કિંમતનો ૧૩૨૦ નંગ વિદેશી દારૂ, રૂ. ૫૦૦ રોકડા અને રૂ. ૪ લાખ ની કિંમતની મારુતિ સ્વિફ્ટ કાર મળીને કુલ રૂ. ૬ લાખ ૯૪ હજાર ૦૨૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે પોલીસે આરોપી જયેશ તળપદા વિરુદ્ધ ચકલાસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

4 thoughts on “નંબર વગરની સ્વિફ્ટ કારમાંથી રૂ. ૨.૯૩ લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એક શખ્સની ધરપકડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!