છૂટાછેડાના વિવાદમાં ઠાસરાના યુવકે જીવન ટૂંકાવ્યું, પાંચ સામે ફરિયાદ
નરેશ ગનવાણી નડિયાદ

ઠાસરા તાલુકાના સાંઢેલી ગામમાં પ્રેમલગ્ન બાદ છૂટાછેડા માટે પત્ની અને તેના પરિવારજનો દ્વારા સતત માનસિક ત્રાસ અને દબાણથી કંટાળીને એક યુવકે આપઘાત કરી લીધો હોવાનો કમકમાટીભર્યો બનાવ સામે આવ્યો છે. આ મામલે મૃતકના મોટાભાઈએ પાંચ લોકો સામે ઠાસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઠાસરાના સાંઢેલી ગામના ૩૫ વર્ષીય પંકજભાઈ કાળીદાસ વાઘેલાએ પાંચ વર્ષ અગાઉ ગામની જ ભાવિકાબેન જશુભાઈ રોહીત સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આઠ મહિના પહેલાં ભાવિકાના પરિવારને આ લગ્નની જાણ થતા, પરિવારજનોએ પંકજભાઈ અને તેમના કુટુંબ સાથે બોલાચાલી કરી હતી. ત્યારબાદ સમાજના આગેવાનોની મધ્યસ્થીથી બંનેએ કોર્ટ દ્વારા છૂટાછેડા લેવાનું નક્કી કર્યું હતું. ભાવિકાએ ઠાસરા ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે કેસ પણ દાખલ કર્યો હતો. જોકે, કેસ ચાલુ હોવા છતાં, ભાવિકા, તેના પિતા જશુભાઈ, માતા ગીતાબેન, ફોઈ શારદાબેન, અને ફુવા ગિરીશભાઈ પંકજભાઈ પર છૂટાછેડા માટે સતત દબાણ કરી માનસિક ત્રાસ આપતા હતા. આ ત્રાસથી કંટાળીને ગતરોજ રાત્રે પંકજભાઈએ તેમના ઘરની સામે આવેલા કાકાના મકાનમાં ગળેફાંસો ખાઈ લીધો. પરિવારજનો તેમને તાત્કાલિક સરકારી દવાખાને લઈ ગયા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. પોલીસને મૃતક પંકજભાઈના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે તેમના મૃત્યુ માટે ગિરીશભાઈ, શારદાબેન, જશુભાઈ, ગીતાબેન અને પત્ની ભાવિકાબેન જવાબદાર છે, કારણ કે તેઓ ધમકી આપીને મરવા માટે મજબૂર કરતા હતા. આ ચિઠ્ઠીના આધારે, પંકજભાઈના મોટાભાઈ હરીશકુમાર વાઘેલાએ ઉપરોક્ત પાંચેય આરોપીઓ વિરુદ્ધ ઠાસરા પોલીસ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.