માતર પાસે કારની ટક્કરે પિતા-પુત્રને અકસ્માત, ૧૦ વર્ષના પુત્રનું કરુણ મોત
નરેશ ગનવાણી નડિયાદ

માતર તાલુકાના હેરંજ ગામ પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક કારે બાઇકને ટક્કર મારતા બાઇક પર સવાર પિતા-પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતમાં પુત્રનું ઘટનાસ્થળે જ કરુણ અવસાન થયું છે, જ્યારે તેના પિતાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર માતર તાલુકાના સિહોલડી ગામના રહેવાસી કલ્પેશભાઈ મકવાણા તેમના ૧૦ વર્ષના પુત્ર મીત સાથે ધરો આઠમના મેળામાંથી મોટરસાયકલ પર પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન માતરના હેરંજ ગામ નજીક રોંગ સાઈડથી આવેલી કારે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે પિતા-પુત્ર બંને રોડ પર પટકાયા હતા.
આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાના કારણે મીતનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે કલ્પેશભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત કલ્પેશભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે મૃતક મીતના કાકા બકુલભાઈ મકવાણાએ માતર પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
https://shorturl.fm/bl85z