મહેમદાવાદ પાસે ગમખ્વાર અકસ્માત, ટ્રકે બાઇકને ટક્કર મારતાં પત્નીનું કમકમાટીભર્યું મોત

નરેશ ગનવાણી નડિયાદ

મહેમદાવાદ: મહેમદાવાદ તાલુકાના સણસોલી પાટિયા પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક ટ્રકે બાઇકને ટક્કર મારતા બાઇક પર સવાર મહિલાનું કમકમાટીભર્યું મૃત્યુ થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નવાગામના રહેવાસી કૌશિકકુમાર ચૌહાણ તેમની પત્ની કૃતિકાબેન ચૌહાણ અને ૬ વર્ષના પુત્ર સાથે બાઈક પર ઘરે પરત જઈ રહ્યા હતા. આ દરમિયાન, સણસોલી પાટિયા પાસે રામદેવપીર મંદિર નજીક, તેમની  બાઈક આગળ જતી રિક્ષાથી બચવા માટે ધીમી પડી હતી.તે જ સમયે, પાછળથી પૂરઝડપે આવી રહેલી એક ટ્રકે બાઇકને જોરદાર ટક્કર મારી. ટક્કર એટલી ભયાનક હતી કે પાછળ બેઠેલા કૃતિકાબેન રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં ટ્રકનું પાછળનું વ્હીલ તેમના શરીર પરથી ફરી વળતા તેમને છાતી અને પેટના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માત બાદ તરત જ આસપાસના લોકો એકઠા થઈ ગયા અને ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી. કૃતિકાબેનને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ગંભીર ઇજાઓને કારણે ૨૫ વર્ષીય કૃતિકાબેનનું સારવાર દરમિયાન જ મૃત્યુ થયું હતું. આ દુર્ઘટના બાદ મૃતકના પતિ કૌશિકકુમાર ચૌહાણે મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!