સી.બી. પટેલ આર્ટસ કોલેજમાં શિક્ષક દિનની ઉજવણી
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી. બી. પટેલ આર્ટસ કોલેજમાં સાંસ્કૃતિક વિભાગ દ્વારા શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી. આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષક બનીને કોલેજનો શૈક્ષણિક કાર્યભાર સંભાળ્યો હતો.
આ કાર્યક્રમમાં B.A. Sem-1, 3, 5 અને M.A. 1, 3 ના કુલ ૧૦૧ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ચાર લેક્ચર લઈને શિક્ષણ કાર્ય કર્યું હતું. આ ઉપરાંત, સોની વિધિ કલ્પેશભાઈએ આચાર્ય તરીકે, જ્યારે વાઘેલા મેહુલ ગિરીશભાઈ અને શેખ સકિલએહમદ એસ.એ. ઉપાચાર્ય તરીકેની ભૂમિકા ભજવી હતી. વિદ્યાર્થીઓએ NSS પ્રોગ્રામ ઓફિસર, NCC કન્વીનર, સુપરવાઇઝર હેડ, ક્લાર્ક અને લાઈબ્રેરીયન જેવા વિવિધ પદો પણ સંભાળ્યા હતા.
કાર્યક્રમના મુખ્ય ભાગરૂપે, શ્રેષ્ઠ શિક્ષક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રેષ્ઠ અધ્યાપન માટે B.A. Sem-1 માંથી સેલીના હસમુખભાઈ પરમાર (મનોવિજ્ઞાન), B.A. Sem-3 માંથી સેજલ દિલીપભાઈ પરમાર (અર્થશાસ્ત્ર), B.A. Sem-5 માંથી શેખ શાહનવાઝ (રાજ્યશાસ્ત્ર) અને M.A. 1 & 3 માંથી શાહ ખુશ મનિષ કુમાર (અર્થશાસ્ત્ર) વિજેતા બન્યા હતા.
ચાર લેક્ચર બાદ, કાર્યક્રમનું ઉદ્ઘાટન દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં આચાર્ય પ્રો. ડો. મહેન્દ્રકુમાર એ. દવે, એક દિવસીય આચાર્ય, ઉપાચાર્ય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના કન્વીનર ઉપસ્થિત રહ્યા હતા. અંજલી અને નંદિની દ્વારા સુંદર પ્રાર્થના ગીત રજૂ કરવામાં આવ્યું, જ્યારે ડો. પરવીનબેન મન્સૂરીએ શાબ્દિક સ્વાગત કર્યું હતું.
આચાર્ય ડો. મહેન્દ્રકુમાર એ. દવેએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનનું ઉદાહરણ આપી વિદ્યાર્થીઓને શિક્ષણ, આચરણ અને કર્મના ગુણો વિશે પ્રેરણા આપી હતી. કાર્યક્રમનું સંચાલન ડો. કલ્પનાબેન ભટ્ટે કર્યું હતું અને આભારવિધિ મિનેશભાઈ સોલંકીએ કરી હતી. અંતમાં રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી.