નડિયાદમાં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી: શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન
નરેશ ગનવાણી નડિયાદ

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિન નિમિત્તે, નડિયાદના બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ સાંસદ દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો, જેમાં ચાર જિલ્લા કક્ષાના અને આઠ તાલુકા કક્ષાના શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
સાંસદ દેવુસિંહ ચૌહાણે પોતાના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું કે સન્માન મળવાથી જવાબદારીઓ વધે છે. તેમણે શિક્ષકોને શિક્ષણને માત્ર એક વ્યવસાય નહીં, પરંતુ એક ઉત્સવ તરીકે ઉજવવા માટે હાકલ કરી. તેમણે વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ને અનુસરવાનું સૂચન કર્યું. તેમણે જણાવ્યું કે આજના યુગમાં શિક્ષકોએ પણ સતત શીખતા રહેવું જોઈએ અને બાળકોના જીવન ઘડતરમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ.
આ પ્રસંગે, મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે પણ NEP-૨૦૨૦ના મહત્વ પર પ્રકાશ પાડ્યો. તેમણે ખેડા તાલુકાના પ્રાથમિક શાળા વાવડીના સહાયક શિક્ષક હિરેન શર્માનું ઉદાહરણ આપ્યું, જેમને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. બ્રહ્માકુમારી સ્મિતા દીદીએ આશીર્વચન આપતા જણાવ્યું કે શિક્ષક વિદ્યાર્થીની નબળાઈઓને દૂર કરીને તેને લક્ષ્ય સુધી પહોંચાડે છે. તેમણે બાળકોને નાનપણથી જ મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપવા પર ભાર મૂક્યો. આ કાર્યક્રમમાં ધોરણ ૧૦માં ૧૦૦% પરિણામ લાવનાર શાળાઓના આચાર્યોનું સન્માન પણ કરવામાં આવ્યું. ઉપરાંત, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ યોજના હેઠળ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
જિલ્લા કક્ષાએ સુજય કુમાર પટેલ, ગોસ્વામી નરેન્દ્રગીરી બાબુગીરી, કલ્પેશકુમાર લાલાભાઈ પ્રજાપતિ અને પારુલબેન શાંતિલાલ દેવમુરારીને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડથી નવાજવામાં આવ્યા. તાલુકા કક્ષાના આઠ શિક્ષકોને પણ સન્માનિત કરવામાં આવ્યા, જેમાં તેમને શાલ, પ્રમાણપત્ર અને રૂપિયા ૫ હજાર નો ચેક અર્પણ કરાયો, જ્યારે જિલ્લા કક્ષાના શિક્ષકોને રૂપિયા ૧૫ હજાર નો ચેક આપવામાં આવ્યો. આ પ્રસંગે અનેક મહાનુભાવો, શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.