દાહોદ જિલ્લામાં બે સ્થળેથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું લોન્ચિંગ થશે

તા. ૧૭ના રોજ દેવગઢ બારિયાની પીટીસી કોલેજ અને દાહોદના વિવેકાનંદ સંકુલ ખાતે બપોરે ત્રણ વાગ્યે કાર્યક્રમ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિન નિમિત્તે દાહોદ જિલ્લાની ગરીબ સામાન્ય અને મધ્યમ વર્ગની નારીશક્તિના કૌશલ્ય કૌવતને નવી દિશા આપી આત્મનિર્ભર બનાવવા માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની ભેટ મળી રહી છે. આ યોજનાનો અહીંના દેવગઢ બારિયા ખાતે પીટીસી કોલેજ ખાતેથી બપોરે ત્રણ વાગ્યે રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડ અને નગરમાં સ્વામિ વિવેકાનંદ સંકુલ ખાતેથી પ્રારંભ કરાવવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પણ સંબોધન કરવાના છે.
મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના શું છે એની વિગતો જાણીએ ? આ યોજના અંતર્ગત રાજ્યના ગ્રામીણ ક્ષેત્રમાં ૫૦ હજાર અને શહેરી વિસ્તારમાં ૫૦ હજાર મળી કુલ ૧ લાખ જોઈન્ટ લાયાબિલિટી એન્ડ અર્નિંગ ગ્રુપ-મહિલા જૂથની રચના કરવામાં આવશે.
આવા પ્રત્યેક જૂથમાં ૧૦ મહિલા- માતા બહેનોને સહભાગી બનાવીને સમગ્રતયા ૧૦ લાખ બહેનોને કુલ રૂા. ૧૦૦૦ કરોડ સુધીનું કુલ ધિરાણ-લોન મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં તબક્કાવાર આપવાનું આયોજન છે.
રાજ્યની સરકારી બેંકો, સહકારી બેંકો તેમજ ખાનગી બેંકો અને આરબીઆઇ માન્ય ધિરાણ સંસ્થાઓ મારફતે આ મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના તહેત પ્રત્યેક મહિલા જૂથને ૧ લાખ રૂપિયાની લોન ધિરાણ પ્રાપ્ત થઇ શકશે
મુખ્યમંત્રીશ્રીએ આ મહિલા કલ્યાણલક્ષી યોજનામાં બેન્કિંગ સેક્ટરને જોડાવામાં આવ્યું છે. રાજ્ય સરકાર આવી બેન્કો સાથે નજીકના ભવિષ્યમાં આ અંગેના એમઓયુ પણ કરવાની છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની માતા બહેનોને મળનારી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની લોન-ધિરાણનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે તેવો મહિલા કલ્યાણ અભિગમ અપનાવ્યો છે. એટલું જ નહીં આ લોન-ધિરાણ માટેની સ્ટેમ્પ ડ્યુટીમાં પણ માફી આપવાનો નિર્ણય તેમણે કર્યો છે. આ માટે રાજ્ય સરકારે ૧૭૫ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં જેમની બેન્કલોન ભરપાઇ થઇ ગયેલી હોય તેવા પ્રવર્તમાન મહિલા જૂથોને પણ મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં લાભ લેવા જોઈન્ટ લાયાબિલિટી એન્ડ અર્નિંગ ગ્રુપ તરીકે નોંધણી કરાવીને લાભ મેળવી શકશે તેવો ઉદાત્ત અભિગમ રાખ્યો છે.
શ્વેતક્રાંતિમાં પશુપાલનથી અગ્રેસર રહેલી ગુજરાતની નારી શક્તિ હવે આ લોન ધિરાણથી પોતાના નાના-મોટા સ્વતંત્ર વ્યવસાય, ગૃહ ઉદ્યોગથી પણ આત્મનિર્ભરતામાં અગ્રેસર થાય તેવો હેતું છે. આવા જૂથોની રચનામાં સહાયક થનાર કોમ્યુનિટી રીસોર્સ પર્સન- સર્પોટરને ૩૦૦ રૂપિયાનું પ્રોત્સાહક સહાય અપાશે.
મહિલા કલ્યાણ અને મહિલા ઉત્કર્ષ ક્ષેત્રમાં કાર્યરત સ્વૈચ્છિક સેવા સંગઠનો-સંસ્થાઓનું યોગદાન પણ આ યોજનાનો વ્યાપક લાભ માતા-બહેનોને મળે તે માટે લેવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં મળનારી રૂપિયા એક લાખની લોન-ધિરાણની પરત ચુકવણી સાથે જે તે જૂથને બચત તરીકે પણ રકમ મળી રહે તેવી મહત્વપૂર્ણ જોગવાઇ છે. ગરીબ, ગ્રામીણ, સામાન્ય મધ્યમ વર્ગની માતા-બહેનોના જૂથોને વ્યાજ રહિત લોન-ધિરાણ સાથે વાર્ષિક માતબર રકમની બચતની સુવિધા પણ આ યોજનાથી આપી છે.
મહિલા કલ્યાણ- મહિલા ઉત્કર્ષની આ પહેલરૂપ યોજનાનું રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ગ્રામ વિકાસ વિભાગ હસ્તકના ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની દ્વારા અમલીકરણ કરાશે. શહેરી ક્ષેત્રો માટે શહેરી વિકાસ વિભાગના ગુજરાત અર્બન લાઇવલીહૂડ મિશન મારફતે આ મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો અમલ કરાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!