ખેડા જિલ્લામાં અનંત ચૌદસ પર ગણેશ વિસર્જન: ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના નાદથી ગુંજી ઉઠ્યો માહોલ
નરેશ ગનવાણી નડિયાદ
ખેડા જિલ્લામાં આજે અનંત ચૌદસના પાવન દિવસે ગણેશ ભક્તોએ ભારે ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કર્યું. દસ દિવસની ભક્તિ અને આતિથ્ય બાદ વિદાય લઈ રહેલા બાપ્પાને ભક્તોએ ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષ સાથે ભીની આંખે વિદાય આપી.
જિલ્લાભરમાં નદીઓ, તળાવો, કેનાલો અને જળાશયો પર ગણેશ વિસર્જન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ઢોલ, નગારા અને ડીજેના સૂર સાથે નીકળેલી વિસર્જન યાત્રાઓએ વાતાવરણને ગુંજવી દીધું હતું. નડિયાદમાં કોલેજ રોડ અને પીજ રોડ પરની કેનાલ પર ખાસ કરીને બપોર બાદ ભક્તોનો પ્રવાહ જોવા મળ્યો હતો. અનેક જગ્યાએ આતશબાજી અને અબીલ-ગુલાલની છોળો પણ ઉડતી જોવા મળી હતી. આ વર્ષે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડાકોર રોડ પર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે નાની પ્રતિમાઓના વિસર્જન માટે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા હતો. જ્યાં ભક્તોએ સરળતાથી પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું. આ વ્યવસ્થાએ પર્યાવરણને અનુકૂળ વિસર્જનને પ્રોત્સાહન આપ્યું. નડિયાદ ઉપરાંત ગળતેશ્વર, મહેમદાવાદ, માતર, કપડવંજ, ઠાસરા, કઠલાલ, ખેડા, વસો સહિત ખેડા જિલ્લાના તમામ તાલુકાઓમાં અને ગામડાઓમાં પણ ગણેશજીની પ્રતિમાઓની વિસર્જન યાત્રાઓ યોજાઈ હતી. આ દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને ફાયર બ્રિગેડની ટીમ પણ ખડેપગે રહી હતી, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. તરવૈયાઓએ પણ વિસર્જન કાર્યમાં મદદ કરી હતી. દસ દિવસની ભક્તિ અને પૂજા બાદ ગણેશજીની વિદાય થતા ભક્તો ભાવુક બન્યા હતા. વિસર્જન યાત્રા દરમિયાન ભક્તોના મુખ પર ‘અગલે બરસ તુમ જલદી આના’ના શબ્દો ગુંજી રહ્યા હતા, જે તેમની શ્રદ્ધા અને અપેક્ષાને દર્શાવે છે કે આવતા વર્ષે પણ બાપ્પા તેમની વચ્ચે જલ્દી પાછા ફરશે.