નડિયાદમાં ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો: બે શખ્સો સામે પોલીસ ફરિયાદ

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ નગરપાલિકાના ઢોર નિયંત્રણ વિભાગ (સીએનસીડી)ની ટીમ પર રખડતા ઢોર પકડવાની કામગીરી દરમિયાન હુમલો થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. સોમવાર, ૮ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ બપોરે રંગ ઉપવન પાર્ટી પ્લોટ સામે, ચંદ્રલોક સોસાયટી નજીક, મંજીપુરા વિસ્તારમાં આ ઘટના બની હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર નડિયાદ મહા નગરપાલિકાની ઢોર ટીમ ને રખડતા ઢોર પકડવા માટેની જાણકારી મળી હતી. ટીમ સ્થળ પર પહોંચી એક કાળા કલરની ગાયને પકડી ટ્રેલરમાં ચઢાવી રહી હતી. તે સમયે નનકાભાઈ રત્નાભાઈ ભરવાડ અને સબુરભાઈ ભરવાડ બે શખ્સો ત્યાં પહોંચ્યા હતા.  તેઓએ ગાય પોતાની હોવાનું કહી ટીમને ગાળો ભાંડી હતી. સબુરભાઈએ પોતાનું મોટરસાયકલ ટીમના કર્મચારી અલ્ફીજખાન પઠાણ ઉપર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન, આરોપીઓએ ઝપાઝપી કરીને કર્મચારીઓના હાથમાંથી ગાયનું દોરડું છોડાવી દીધું અને ગાયને ભગાડી દીધી હતી. અને ધમકી આપી હતી કે જો ફરીથી સોસાયટીમાં ઢોર પકડવા આવશો તો જીવતા છોડીશું નહીં. આ ઘટના બાદ, સીએનસીડી વિભાગના વિશાલભાઈ સુંદરલાલ ગોસ્વામીએ આ મામલે નડિયાદ પોલીસ સ્ટેશનમાં બન્ને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!