નડિયાદ પોલીસે જામનગરના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ શહેર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ અને એ.એસ.આઈ. વનરાજસિંહને બાતમી મળી હતી કે, જામનગરના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓ નડિયાદના ચકલાસી ભાગોળ વિસ્તારમાં હાજર છે.
બાતમી મળતાની સાથે જ પોલીસે દરોડો પાડ્યો હતો અને બાતમી મુજબના બંને આરોપીઓ – લાલુભાઈ જયંતિભાઈ તળપદા (રહે. નડિયાદ, ચકલાસી ભાગોળ) અને દિપેશ ઉર્ફે સોનુ ઉર્ફે ગાંડીયો દિનેશભાઈ તળપદા (રહે. ચકલાસી ભાગોળ, નડિયાદ)ને ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી માટે તેમને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
