ઝાલોદના કદવાળ ગામે એક બંધ મકાનમાંથી તસ્કરો રૂપિયા ૧.૯૮ લાખના સોનાના દાગીના લઈ ફરાર
દાહોદ તા.૧૦
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કદવાળ ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાંથી સોના દાગીના કિંમત રૂા. ૧,૯૮,૩૦૦ની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતાં આ ચોરીની ઘટનાને પગલે પંથકમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે બીજી તરફ આ ઘટના દોઢેક માસ પહેલા બની હતી જેમાં પરિવારજનો બહાર ગામ ગયાં હોવાથી પરત પોતાના ઘરે આવતાં અને ચોરી થઈ હોવાનું માલુમ પડ્તાં આ મામલે ગતરોજ પોલીસમાં ફરિયાદ નોંધાંવી હોવાનું જાણવા મળે છે.
ઝાલોદના કદવાળ ગામે કોકસા ફળિયામાં રહેતાં ધર્મેશકુમાર અમરસીંગભાઈ બારીઆ અને તેમનો પરિવારજનો પોતાના મકાનને તાળુ મારી કોઈ કામ માટે બહાર ગામ ગયાં હતાં. ત્યારે ગત તા. ૨૨મી જુલાઈથી તારીખ ૫મી ઓગષ્ટના કોઈપણ સમયગાળા દરમ્યાન અજાણ્યા ચોર ઈસમોએ ધર્મેશકુમારના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને મકાનના દરવાજાનું નકુચા તોડી મકાનમાં તસ્કરોએ પ્રવેશ કર્યો હતો. મકાનમાં મુકી રાખલ સુટકેશમાંથી સોનાના દાગીના કિંમત રૂા. ૧,૯૮,૩૦૦ની કિંમતના દાર્ગીના તસ્કરો ચોરી કરી લઈ નાસી ગયાં હતાં. ત્યારે દોઢેક માસ બાદ પરિવારજનો પોતાના ઘરે આવતાં અને પોતાના ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડતાં પરિવારજૂનો સ્તબ્ધ બની ગયાં હતાં અને આ સંબંધે ધર્મેશકુમાર અમરસીંગભાઈ બારીઆએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.