જિલ્લા સેવા સદન ખાતે કોરોના ટેસ્ટ કેમ્પ, કલેક્ટર, અધિક કલેક્ટરના રિપોર્ટ પણ નેગેટિવ

દાહોદ તા.૧૬
સાચા લીડરનો એ ગુણ હોય છે કે એ શબ્દોથી નહીં પરંતુ પોતાના કર્મથી રાહ ચીંધે છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવીને કોરોના મહામારી સામે ‘ટેસ્ટ ઇંઝ બેસ્ટ’નો સંદેશ આપ્યો છે. ત્યારે દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી વિજય ખરાડીએ પણ આજ રોજ કોરોના ટેસ્ટ કરાવીને જિલ્લાના નાગરિકોને વધુમાં વધુ કોરોના ટેસ્ટ કરાવવાનો સંદેશ આપ્યો છે. સાથે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓએ પણ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલા કોરોના ટેસ્ટ કેમ્પ ખાતે કોરોના ટેસ્ટ કરાવીને સાવચેતી માટેનું મહત્વનું પગલું ભર્યું હતું.
કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું કે, કોરોના સામે બચાવ માટે મુખ્યમંત્રીશ્રીનું ‘ટેસ્ટ ઇંઝ બેસ્ટ’નું પગલું ખરેખર અનુકરણીય છે. નાગરિકોએ કોરોના સામે બચાવ માટે સામે ચાલીને ટેસ્ટ કરાવવો જરૂરી છે. ખાસ કરીને કન્ટેઇનમેન્ટ વિસ્તારના લોકો, જેમને શરદી-ખાંસી-તાવ જેવા કોરોનાના લક્ષણો જણાય રહ્યા છે તેઓ જરૂરી છે કે પોતાનો કોરોના ટેસ્ટ કરાવે. કોરોના ટેસ્ટ નેગેટીવ આવે તો તમે આશ્વસ્ત થઇ જાઓ છો અને જો પોઝેટીવ આવે તો તમે ઝડપથી સારવાર કરાવીને કોરોનામાંથી વહેલી તકે સ્વસ્થ થઇ જાઓ છો. ઉપરાંત તમારા સંબધીઓ, મિત્રો વગેરેમાં પણ તમે કોરોના સંક્રમણને ફેલાતો રોકી શકો છો.
તેમણે જણાવ્યું કે, કોરોનાથી બચાવ માટે ટેસ્ટ ઇઝ બેસ્ટ. માટે નાગરિકો પોતાના નજીકના દવાખાનામાં કોરોના ટેસ્ટ કરાવીને પોતાને તથા પોતાના પરિજનોને કોરોના સામે રક્ષણ બક્ષી શકે છે. મુખ્યમંત્રીશ્રીએ પોતાના સંદેશમાં જણાવ્યું છે તે મુજબ રાજયમાં રોજના ૭૦ હજારથી વધુ કોરોનાના ટેસ્ટ કરવામાં આવે છે. તેમાંથી ફક્ત ૧૩૦૦ લોકો જ કોરોના પોઝેટીવ આવે છે. માટે કોરોનાથી ડરવાની જરૂર નથી, સાવચેતી એ જ કોરોના સામે અમોઘ શસ્ત્ર છે. અત્યારે ચાકલીયા રોડ પરના અર્બન હેલ્થ સેન્ટર-૧ તથા ઝાયડસ સીવીલ હોસ્પીટલ ઉપરાંત તાલુકા મથકોએ સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે કોરોના ટેસ્ટ કરાવી શકાય છે.
આજ રોજ જિલ્લા સેવા સદન ખાતે કોરોના સામે સાવચેતીના પગલાંના ભાગરૂપે ટેસ્ટ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં કલેક્ટર શ્રી વિજય ખરાડી તથા નિવાસી અધિક કલેક્ટર શ્રી એમ.જે.દવે સહિતનાં વરિષ્ઠ અધિકારીઓ તથા કર્મયોગીઓએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. બપોરનાં સવા ત્રણ વાગ્યા સુધીમાં ૧૦૫ જેટલાં કર્મયોગીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાનું તાલુકા આરોગ્ય અધિકારી ડો. ભગીરથ બામણીયાએ જણાવ્યું છે.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: