વડતાલ મંદિરમાં સરદાર સન્માન યાત્રાનું ઉષ્માભેર સ્વાગત
નરેશ ગનવાણી નડિયાદ

ભારતના લોહપુરુષ અને એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીની પૂર્વ સંધ્યાએ બારડોલીથી સોમનાથ સુધી નીકળેલી સરદાર સન્માન યાત્રા ૨૦૨૫નું શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પવિત્ર તીર્થધામ વડતાલ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડતાલ ધામ ખાતે આવી પહોંચેલી આ યાત્રાનું વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન ડો. સંતવલ્લભદાસજી અને કોઠારી દેવપ્રકાશ સ્વામીએ હાર્દિક સ્વાગત કર્યું હતું. ચેરમેન ડો. સંતવલ્લભદાસજી અને કોઠારી દેવપ્રકાશ સ્વામીએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી અને યાત્રાને સન્માનિત કરી હતી. આ પ્રસંગે વડતાલ ગાદીના આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ ઉપરાંત ચેરમેન સંતસ્વામી અને કોઠારી દેવપ્રકાશ સ્વામીએ યાત્રાના સંયોજક ગોપાલભાઈ ચમારડીવાળા અને અન્ય કાર્યકરોનું પુષ્પમાળા પહેરાવી સન્માન કર્યું હતું. ચેરમેન ડો. સંતવલ્લભદાસજીએ જણાવ્યું હતું કે, ૧૧ સપ્ટેમ્બરે બારડોલીથી શરૂ થયેલી આ યાત્રા ૧૮૦૦ કિલોમીટરનો પ્રવાસ ખેડી રહી છે. ૧૪ સપ્ટેમ્બર, રવિવારના રોજ કરમસદ થઈને યાત્રા વડતાલ મંદિર ખાતે આવી પહોંચી હતી. આ યાત્રા ગુજરાતના ૩૫૫ ગામોમાં ફરશે અને કુલ ૧૨ દિવસમાં ૧૮૦૦ કિલોમીટરનું અંતર કાપીને ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ સોમનાથ પહોંચશે. સોમનાથ ખાતે એક વિશાળ સભા સાથે યાત્રાનું સમાપન થશે. આ યાત્રાનો મુખ્ય હેતુ સરદાર પટેલના આદર્શો અને તેમના રાષ્ટ્રનિર્માણમાં આપેલા યોગદાનને લોકો સુધી પહોંચાડવાનો છે.

