સાયબર ઠગ ટોળકીએ ખાતામાં રૂ 13.56 કરોડનુ ટ્રાન્ઝેક્શન કર્યું: પાંચની ધરપકડ
નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ચોકડી પાસે આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની બ્રાન્ચમાં એક ‘મ્યુલ બેંક એકાઉન્ટ’ મળી આવ્યું છે, જેનો ઉપયોગ સાયબર ફ્રોડ દ્વારા લોકો પાસેથી મેળવેલા રૂ.13.56 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવ્યો હતો. આ ખાતાની તપાસ કરતા સામે આવ્યું છે કે, આ ગુનામાં સ્થાનિક અને સુરતના કેટલાક લોકોની સંડોવણી છે, જેમણે નકલી ભાગીદારી પેઢીઓ બનાવીને બેંક ખાતા ખોલાવ્યા હતા.
આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, નડિયાદ દ્વારા સરકાર વતી ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓએ ગુનાહિત કાવતરાના ભાગરૂપે જાણીજોઈને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે બનાવટી ભાગીદારી પેઢીઓ ઊભી કરી હતી. આ માટે, તેઓએ ખોટા નામથી પેઢીની ઓળખ ધારણ કરી અને ખોટી માહિતીના આધારે બનાવટી સર્ટિફિકેટનો ઉપયોગ બેંકમાં કરી, નકલી ભાગીદારી પેઢીના નામે બેંક ખાતું ખોલાવ્યું હતું. આ આરોપીઓએ સાયબર ફ્રોડમાં ભોગ બનેલા લોકોના પૈસાની હેરાફેરી કરવા માટે આ બેંક ખાતાનો ઉપયોગ કર્યો હતો. ખાતું ખોલાવ્યા બાદ, તેનું ઈન્ટરનેટ બેંકિંગ એક્સેસ અન્ય વ્યક્તિઓને આપી, કમિશનના બદલામાં મોટી રકમ રોકડમાં મેળવતા હતા. આ પ્રકારે, તેમણે લોકો સાથે છેતરપિંડી આચરી હતી.
આ ગુનાના સંબંધમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે
ગિરીશભાઈ બાલુભાઈ ચૌહાણ (રહે. મહેમદાવાદ, પિયુષભાઈ ભગુભાઈ પટેલ રહે. અકલાચા, મહેમદાવાદ,
નિતેશભાઈ અજીતભાઈ ચૌહાણ રહે. સુંઢા, મહેમદાવાદ, જીગ્નેશ વલ્લભભાઈ મારકણા રહે. સુરત ધવલ શંકરલાલ સાધુ રહે. સુરત તેમને પોલીસ કસ્ટડી રીમાન્ડ હેઠળ રાખવામાં આવ્યા છે. આ કેસની વધુ તપાસ પી.આઈ. વી. ડી. મંડોરા, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, નડિયાદ દ્વારા કરવામાં આવી રહી છે.

