નડિયાદમાં નવરાત્રિનો પ્રારંભ: ત્રણ મુખ્ય સ્થળોએ ગરબા મહોત્સવોનું આયોજન
નરેશ ગનવાણી નડિયાદ

આદ્યશક્તિ મા અંબાના આરાધના પર્વ નવરાત્રિનો નડિયાદ શહેરમાં ભવ્ય પ્રારંભ થયો છે. શહેરના ત્રણ મુખ્ય સ્થળોએ આયોજિત ગરબા મહોત્સવોમાં પ્રથમ નોરતે જ મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા અને મા જગદંબાની આરાધના કરી હતી.
મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બે ગરબા મહોત્સવોનો પ્રારંભ મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવદુર્ગા નવરાત્રિ મહોત્સવ ૨૦૨૫ નો શુભારંભ થયો. આ મહોત્સવમાં સંતરામ મંદિરના સંતો નિર્ગુણદાસજી અને સત્યદાસજીએ વિશેષ ઉપસ્થિતિ આપી હતી. આ ઉપરાંત, વડતાલ ધામના સંત સ્વામી અને અંબા આશ્રમના આચાર્ય ધર્મેશજી મહારાજે પણ હાજરી આપી હતી. આ ટ્રસ્ટ દ્વારા બીજો મહોત્સવ વૃંદાવન ગરબા મહોત્સવ ૨૦૨૫ પણ શરૂ કરવામાં આવ્યો છે, જે ખાસ કરીને બાળકો અને તેમના પરિવારો માટે આયોજિત કરાયો છે. નવરંગ બીટ્સ ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન
આ ઉપરાંત, નવરંગ બીટ્સ ગ્રુપ દ્વારા પણ નવરંગ ગરબા મહોત્સવ ૨૦૨૫ નો પ્રારંભ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય પંકજ દેસાઈ અને જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલે ઉપસ્થિત રહી મા જગદંબાની પૂજા અને આરતી કરી હતી. રંગબેરંગી પોશાકોમાં સજ્જ ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા. આ મહોત્સવોએ નડિયાદના સાંસ્કૃતિક વાતાવરણમાં એક નવો રંગ ઉમેર્યો છે અને ભક્તિ તથા ઉત્સાહનો સુંદર સમન્વય સર્જાયો છે.
