સી.બી.પટેલ આર્ટસ કોલેજમાં વિદ્યાર્થીઓએ ‘એક વૃક્ષ માં કે નામ’ થી કર્યું વૃક્ષારોપણ
નરેશ ગનવાણી નડિયાદ

સી.બી.પટેલ આર્ટસ કોલેજ, નડિયાદના એનએસએસ (NSS) યુનિટ દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે કોલેજના આચાર્ય પ્રો. ડો. મહેન્દ્રકુમાર દવેની પ્રેરણાથી ‘એક વૃક્ષ માં કે નામ’ કાર્યક્રમ અંતર્ગત કોલેજ કેમ્પસમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉજવણીને વધુ ખાસ બનાવવા માટે કોલેજ પરિસરમાં ‘ફ્રૂટ એરિયા’ બનાવવામાં આવ્યો, જ્યાં વિદ્યાર્થીઓ અને મહેમાનો દ્વારા ચીકુ, આંબો અને જાંબુ જેવા ફળદાર વૃક્ષોનું વાવેતર કરાયું. આ પ્રસંગે ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ અને ખજાનચી પુરુષોત્તમભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પર્યાવરણના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું.
પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલે ફળોના રાજા એવા આંબાનું વાવેતર કર્યું, જ્યારે આચાર્યશ્રીએ ચીકુનું વાવેતર કરી વિદ્યાર્થીઓને આ વૃક્ષોની યોગ્ય જાળવણી કરવાની પ્રેરણા આપી. આ કાર્યક્રમમાં એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો. પ્રકાશભાઈ વિછીયા અને ડો. કલ્પનાબેન ત્રિવેદી સહિત મોટી સંખ્યામાં એનએસએસના સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સૌએ સાથે મળીને વૃક્ષોનું વાવેતર કરી, જળ સિંચન કર્યું અને પર્યાવરણ સંરક્ષણ માટે સંકલ્પ લીધો.
