ઠાસરાના મુડિયાદ ગામમાં ૭ ફૂટના મગરનું રેસ્ક્યુ
નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના મુડિયાદ ગામમાં પંચાયત પાસે આવેલા તળાવમાં અગાઉ જોવા મળેલો એક મગર ગામમાં ઘૂસી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. રાત્રે ગામના સરપંચે ડાકોર વનવિભાગ અને નેચર હેલ્પ ફાઉન્ડેશનને જાણ કરી હતી.
માહિતી મળતા જ નેચર હેલ્પ ફાઉન્ડેશનના સ્વયંસેવકો રેસ્ક્યુ સાધનો સાથે તાત્કાલિક મુડિયાદ ગામ પહોંચ્યા હતા. ગામની ડેરી પાસે એક મકાનની બાજુમાં ૭ ફૂટ લાંબો મગર જોવા મળ્યો હતો. ટીમે લગભગ ૧ કલાકની ભારે જહેમત બાદ મગરને સુરક્ષિત રીતે પકડી લીધો હતો. રેસ્ક્યુ બાદ મગરને ડાકોર વનવિભાગ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેની પ્રાથમિક તપાસ કરવામાં આવી અને ત્યારબાદ તેને તેના કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવ્યો હતો.
