બધિર બાળકો માટે ‘સ્વરક્ષા તકનીક’ પર કાનૂની શિક્ષણ કાર્યક્રમ યોજાયો
નરેશ ગનવાણી નડિયાદ

વિશ્વ બધિર દિનના સંદર્ભે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, નડીઆદ દ્વારા મૂક-બધિર બાળકો માટે એક મહત્વપૂર્ણ કાનૂની શિક્ષણ અને સ્વરક્ષા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ એસ.જી. બ્રહ્મભટ્ટ બધિર વિદ્યાવિહાર, નડીઆદ ખાતે ખેડા જિલ્લા પોલીસ અને શીતોરીયુ કરાટે સ્કુલ ઓફ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એન.એ. અંજારીઆના નેતૃત્વ અને તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન આર.એન. પટેલના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાવિહારના આચાર્ય પ્રજ્ઞાબેન ગોર દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. વષ અને તેમની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને જાહેર સ્થળોએ સાવચેત રહેવા અને સ્વરક્ષા કરવા અંગેની વિવિધ તકનીકોનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન અપાયું હતું. તેમણે ઈમરજન્સી હેલ્પલાઈન નંબરો (૧૧૨, અભયમ-૧૮૧, ચાઈલ્ડ હેલ્પલાઈન ૧૦૯૮) દ્વારા મદદ મેળવવાની વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ, કરાટે સ્કુલના સિનિયર કોચ શૈલેશ પારેખ અને તેમની ટીમે કરાટે દ્વારા સ્વરક્ષાનું ડેમોન્સ્ટ્રેશન રજૂ કર્યું હતું અને કન્યાઓને નિ:શુલ્ક કરાટે વર્ગમાં જોડાવા અપીલ કરી હતી.
આ પ્રસંગે ચીફ લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલ એડવોકેટ ચેતન દરજીએ મહિલાઓ અને બાળકોને લગતા કાયદાઓ વિશે જાણકારી આપી હતી, જ્યારે સુપ્રિન્ટેન્ડેન્ટ નિલેશ ચૌધરીએ મફત કાનૂની સહાય અને લોક અદાલત વિશે માહિતી આપી હતી. આ કાર્યક્રમથી મૂક-બધિર બાળકોમાં સ્વરક્ષા અને કાયદાકીય જાગૃતિનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
