મહોળેલ ચોરીનો ભેદ ઉકેલાયો: રૂ. ૬.૬૫ લાખની ચોરીમાં મુખ્ય આરોપી ઝડપાયો
નરેશ ગનવાણી નડિયાદ

મહોળેલ ગામમાં થયેલી રૂ. ૬,૬૫,૦૦૦ની ચોરીનો ભેદ ચકલાસી પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરીના મુખ્ય આરોપી રાજેન્દ્રસિંગ સરદારની ધરપકડ કરી છે અને તેની પાસેથી ચોરાયેલી માલમત્તાનો મોટો ભાગ રિકવર કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગઇ તા. ૧૭મી સપ્ટેમ્બરે મહોળેલ ગામમાં અજાણ્યા ચોર ઇસમોએ એક બંધ ઘરના દરવાજાનો નકુચો તોડી તિજોરીમાંથી સોનાના દાગીના રૂ. ૪.૯૦ લાખ અને રોકડ રૂ. ૧.૭૫ લાખ મળી કુલ રૂ. ૬.૬૫ લાખ ની મતાની ચોરી કરી હતી. આ અંગે ચકલાસી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ભરવાડએ તુરંત જ તપાસ હાથ ધરી હતી. ટેક્નિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તેમને જાણવા મળ્યું કે અગાઉ ચોરીના અનેક ગુનાઓમાં પકડાયેલ રાજેન્દ્રસિંગ મહેન્દ્રસિંગ સરદાર રહે. ફિણાવ ભાગોળ, મહુધા આ ગુનામાં સંડોવાયેલો છે. આરોપીનો મહુધા, ઓઢવ, નિકોલ અને અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ પણ છે. તા. ૨૭/૦૯/૨૦૨૫ના રોજ બાતમીના આધારે પીઆઇ ભરવાડ અને સર્વેલન્સ સ્કોર્ડ દ્વારા રાજેન્દ્રસિંગને મહુધાની આસપાસના વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. કડક પૂછપરછમાં તેણે કબૂલ્યું કે તેણે તેના અન્ય બે સહ-આરોપીઓ, ચિલુસિંગ ગુરમુખસિંગ સીકલીગર અને બલવીરસિંગ ઉર્ફે બલ્લી નેપાલસિંગ સીકલીગર બંને રહે. એકતા નગર, વડોદરા સાથે મળીને આ ચોરી કરી હતી.
પોલીસે મુખ્ય આરોપી રાજેન્દ્રસિંગની ધરપકડ કરી તેની પાસેથી ગુનામાં વપરાયેલ હથિયાર અને ચોરીના રોકડા રૂ. ૧,૬૦,૨૦૦ રિકવર કર્યા છે. હાલમાં અન્ય બે સહ-આરોપીઓને પકડીને બાકીનો મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
