પોલીસ જવાનો તેમજ પ્રાંત અધિકારીને પણ ગરબાનું ઘેલું લાગ્યું : સિંધુ ઉદય તેમજ બોલેગા દાહોદ ગ્રુપ દ્વારા ઇનામોનું વિતરણ કરાયું

દાહોદ તા.૦૧

રાજસ્થાની ટ્રેડિશનલ ડ્રેસ તેમજ તલવાર સાથેના ગરબા બાદ ગઈકાલે આઠમા નોરતે દાહોદ શહેરના જુના ઇન્દોર રોડ ખાતે આવેલ પ્રસંગ પાર્ટી પ્લોટ-૨ ગરબા ગ્રાઉન્ડમાં જય શ્રી મહાકાલ ઠાકૂર ગ્રુપ દ્વારા યોજાતા ગરબામાં દાહોદનું યૌવન ધન વહેલી પરોઢ સુધી હિલોળે ચડ્યું હતું. ગરબામાં દાહોદના પ્રાંત અધિકારી તેમજ કેટલાક પોલીસ જવાનો મન મૂકી ગરબે ઝૂમ્યા હતા. ગરબામાં આયોજક મંડળ તેમજ દાહોદના સિંધુ ઉદય અને બોલેગા દાહોદ ગ્રુપ દ્વારા ખેલૈયાઓને ઇનામો આપવામાં આવ્યા હતા. દાહોદ શહેરમાં વિવિધ આયોજક મંડળો દ્વારા વિવિધ સ્થળે નવરાત્રી પર્વ નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરની પાવન નદી દૂધીમતીના કાંઠે રામાનંદ પાર્ક ખાતે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે શહેરના જુના ઈન્દોર રોડ ખાતે આવેલ પ્રસંગ પાર્ટી પ્લોટ-૨ ખાતે જય શ્રી મહાકાલ ઠાકૂર ગ્રુપ દ્વારા નવરાત્રી પર્વ નિમિત્તે યોજાતા ગરબામાં રોજે રોજ નવીનતા જોવા મળી રહી છે. આનંદના ગરબાએ પણ ભારે રમઝટ મચાવી હતી. તેમજ ઓપરેશન સિંદૂરના ગરબાએ ખેલૈયાઓમાં દેશભક્તિ જગાવી હતી. રાજસ્થાની ટ્રેડિશનલ પહેરવેશમાં રમાયેલા ગરબામાં મહિલા તેમજ પુરુષ ખેલૈયાઓ તલવાર સાથે ગરબે ઘુમી ગરબાની રમઝટ માણી હતી. જ્યારે નવરાત્રી ના અંતિમ તબક્કામાં એટલે કે ગઈકાલે આઠમે નોરતે ઠાકુર ગ્રુપ દ્વારા યોજાયેલા ગરબામાં વહેલી પરોઢ સુધી દાહોદનું યૌવન ધન હિલોળે ચડ્યું હતું. દાહોદના સિંધુ ઉદય અને બોલેગા દાહોદ ગ્રુપ દ્વારા સુંદર ગરબા રમનારા મહિલા, પુરુષ, કપલ તેમજ બાળકોને ઇનામ આપવામાં આવ્યા હતા. જ્યારે મંડળ તરફથી પણ ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું. નવરાત્રીના નવે દિવસ સિમેન્ટ કંપનીના સ્પોન્સર દ્વારા ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું.

દાહોદના પ્રસંગ પાર્ટી પ્લોટ-૨ ખાતે રમાતા ઠાકુર ગ્રુપના ગરબામાં ગઈકાલે આઠમે નોરતે આમંત્રિત મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા દાહોદના પ્રાંત અધિકારી ખેલૈયાઓની સાથે મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા. જ્યારે ગરબા જોવા આવેલા પોલીસ જવાનોને પણ ગરબાનું ઘેલું લાગતા તેઓ પણ ગરબામાં જોડાયા હતા અને યૌવનધન સાથે ગરબા ના હિલોળે ચડ્યા હતા. આ કાર્યક્રમમાં દાહોદ નગરપાલિકાના પ્રમુખ નીરજ દેસાઈ સહિત મહાનુભવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!