તહેવારો ટાણે શુદ્ધ ખોરાક: ખેડા-નડિયાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની વિશેષ ઝુંબેશ
નરેશ ગનવાણી નડિયાદ

નરેશ ગનવાણી નડિયાદ
દશેરા અને આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નડિયાદ દ્વારા નગરજનોને આરોગ્યપ્રદ અને શુદ્ધ ખોરાક મળી રહે તે માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશનો હેતુ ખાદ્ય વેપારીઓમાં જાગૃતિ લાવવાનો અને તેમને શુદ્ધ ખોરાક તરફ પ્રેરવાનો હતો.
આ અભિયાન અંતર્ગત, નડિયાદ મહાનગરપાલિકા અને ખેડા જિલ્લાના તમામ તાલુકાઓમાં કુલ ૨૧ પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ફાફડા, જલેબી, ગઠિયા, પાપડી, ગોટા અને ચટણી સહિતના ખાદ્ય પદાર્થોના કુલ ૨૨ નમૂનાઓને વધુ પરીક્ષણ માટે લેવામાં આવ્યા હતા. વધુમાં, તંત્ર દ્વારા સંચાલિત ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન મારફતે ઘટનાસ્થળે જ (સ્પોટ ટેસ્ટિંગ) ૪૫ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા માત્ર નમૂનાઓ લેવા પૂરતું જ નહીં, પરંતુ ખાદ્ય વેપારીઓને આરોગ્યપ્રદ ખોરાક તૈયાર કરવા અને વેચાણ સમયે જરૂરી સાવચેતીઓ રાખવા અંગે માર્ગદર્શન પણ પૂરૂ પાડવામાં આવ્યું હતું. આ તકે વેપારી સાથે સંવાદ કરીને તેમને ખાદ્ય સુરક્ષાના નિયમો વિશે માહિતગાર કરાયા હતા.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ નગરજનોને પણ તહેવારો દરમિયાન શુદ્ધ ખોરાકનો જ ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે, જેથી સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા ઊભી ન થાય.

https://shorturl.fm/EkNV6