પરિવારથી વિખૂટીં પડેલી મહિલાનું પરિજનો સાથે સુખદ મેળાપ કરાવતું દાહોદનું સખી વન સ્ટોપ સેન્ટર

પીડિત, શોષિત મહિલાઓ માટે દાહોદનું સખી વન સ્ટોપ સેન્ટર ખરા અર્થમાં સખીની ગરજ સારી રહ્યું છે અને સંકટ સમયે તેમનો સાચો સાથી બનીને સમસ્યાઓનો ઉકેલ આણી રહ્યું છે. તાજેતરમાં જ દાહોદના સખી વન સ્ટોપ સેન્ટરે માનસિક પડકારનો સામનો કરી રહેલી અને પરિવારથી વિખૂટીં પડેલી એક ૨૦ વર્ષીય મહિલાનો પરિજનો સાથે સુખદ મેળાપ કરાવ્યો છે.
મહિલા ફતેપુરાના કુમાર છાત્રાલય પાસે માનસિક-ભગ્ન હાલતમાં જોવા મળી હતી. એક શિક્ષકે આ બાબતે અભયમ ટીમને ફોન કરીને જાણ કરી હતી. અભયમની ટીમ તાત્કાલિક પહોંચી હતી અને મહિલાને આશ્રય-સારવાર મળી રહે તે માટે સખી વન સ્ટોપ સેન્ટર, દાહોદ ખાતે લાવવામાં આવી હતી. પરંતુ મહિલા પોતાના વિશે, ગામ કે સંબધીજનો વિશે કશું પણ જણાવી શકે તેવી હાલતમાં નહોતી.
મહિલાની માનસિક અસ્વસ્થતા જોતા માનસિક સારવારની જરૂર હોય નિષ્ણાંત સાયકોલોજીસ્ટ પાસે સારવાર કરાવામાં આવી. માનસિક રોગના નિષ્ણાત ડો. નિનામાએ મહિલાની સારવાર કર્યા બાદ મહિલાના વર્તનમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો અને સખી વન સ્ટોપ સેન્ટરની ટીમ સાથે કાઉન્સિંલિગ દરમ્યાન તેમણે વાતચીતમાં પોતાના ગામની થોડી ઘણી માહિતી આપી હતી.
મહિલાએ આપેલી માહિતી અધૂરી હતી. પરંતુ જેટલી પણ માહિતી મળી હતી તેના આધારે શોધખોળ શરૂ કરવામાં આવી. આ માટે દાહોદના પોલીસ અધિકારીઓની પણ મદદ લેવામાં આવી. સઘન શોધખોળ બાદ જે તે ગામ શોધી કાઢવામાં આવ્યું. મહિલાના પરિવારજનો પણ ચોતરફ તેમને શોધી રહ્યાં હતા પરંતુ તેમને મહિલા બાબતે કોઇ સગડ મળ્યા નહોતા. ઉપરાંત મહિલા માનસિક સમસ્યાઓનો સામનો કરી રહી હોય કશું જણાવી શકે તેમ ન હોય સંબધીઓ ખૂબ ચિંતામાં હતા. ત્યારે સખી વન સ્ટોપ સેન્ટરે ગામના સરપંચની મદદથી મહિલાના પરિજનો સાથે તેનો સુખદ મેળાપ કરાવતા સૌ કોઇમાં હર્ષની લાગણી વ્યાપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: