વડતાલધામમાં ૨૦૦ વર્ષની પરંપરા મુજબ ભવ્ય શરદોત્સવની ઉજવણી: આગામી દ્વિશતાબ્દી મહોત્સવની પત્રિકાઓ અર્પણ
નરેશ ગનવાણી નડિયાદ

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ધામ મંદિર પરિસરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે ૨૦૦ વર્ષ પૂર્વે ઉજવેલા દિવ્ય શરદોત્સવની પરંપરાનું આસો સુદ પૂનમે ભવ્યાતિભવ્ય રીતે પાલન કરવામાં આવ્યું હતું. વડતાલધામમાં આસો સુદ પૂનમ (શરદપૂનમ) નિમિત્તે ધામધૂમથી ઉત્સવ ઉજવાયો હતો, જેમાં અંદાજે બે થી ત્રણ હજાર હરિભક્તોએ રાસની રમઝટ બોલાવીને ધન્યતા અનુભવી હતી.
શરદોત્સવની દિવ્ય ઉજવણી
સોમવારની રાત્રીએ ૯ થી ૧૨ કલાક દરમ્યાન ગુણાતીત ઓરકેસ્ટ્રા કલાકુંજ સુરતના સથવારે વિશાળ સંખ્યામાં સ્ત્રી-પુરુષ હરિભક્તોએ રાસ-ગરબાનો આનંદ માણ્યો હતો. સંતોએ પણ આ ઉત્સવમાં રાસની રમઝટ બોલાવી હતી.
વડતાલ મંદિરના ચેરમેન ડો. સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે આસો માસની પૂર્ણિમાને શરદ પૂનમ, રાસ પૂર્ણિમા અથવા કોજાગરી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ કૌમુદીની પૂર્ણિમાએ ચંદ્ર સોળે કળાએ ખીલે છે અને તેના કિરણોમાંથી અમૃત વરસે છે. ઉજવણીના ભાગરૂપે રાત્રિના સમયે મંદિર પરિસરમાં આવેલ હરિમંડપ પાછળ કાષ્ઠની ૧૦૦ ફૂટ ઊંચી માંડવડી તૈયાર કરવામાં આવી હતી. બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજીએ શ્રીહરિની મૂર્તિને સોનાની પાલખીમાં પધરાવી હતી. નાસિક બેન્ડ સાથે વાજતે-ગાજતે નીકળેલી આ પાલખીયાત્રા મંદિરની પ્રદક્ષિણા કરીને માંડવડી ખાતે પહોંચી હતી. આ પ્રસંગે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, મુખ્ય કોઠારી દેવપ્રકાશસ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ શા. નૌત્તમપ્રકાશદાસજી સહિત વડતાલ, સરધાર, વિદ્યાનગર, કુંડળધામ વગેરે ધામના સંતો ઉપસ્થિત રહ્યા હતા. પૂજન આરતી બાદ નીલકંઠચરણ સ્વામીએ શરદોત્સવની કથાનું રસપાન કરાવ્યું હતું. ત્યારબાદ ‘જુઓ. જુઓ. ને સહેલીઓ આજ રસીયો રાસ રમે. કિર્તન પર સંતો અને હરિભક્તો ઝૂમી ઉઠ્યા હતા. આરતી બાદ સહુ સંતો-ભક્તોએ દૂધ-પૌંઆનો પ્રસાદ લઇ ધન્યતા અનુભવી હતી.
આગામી દ્વિશતાબ્દી મહોત્સવની પત્રિકાઓ અર્પણ
શરદોત્સવના બીજા દિવસે, મંગળવારે સવારે શણગાર આરતી બાદ એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે શિક્ષાપત્રી લેખન એવમ આચાર્ય પદસ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવની આમંત્રણ પત્રિકાનું પૂજન તથા લેખન કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય કોઠારી દેવપ્રકાશસ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ શા. નૌતમપ્રકાશદાસજી, બાલકૃષ્ણ સ્વામી (મેમનગર), વિવેકસાગર સ્વામી (સાળંગપુર કોઠારી) સહિત ગુજરાતના વિવિધ મુખ્ય મંદિરોના સંતો, કોઠારીઓ, યજમાનો અને ટ્રસ્ટી બોર્ડના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રણ પત્રિકા લેખન બાદ આચાર્ય મહારાજએ દેવોને તથા નંદસંતોના આસને પત્રિકા પાઠવી હતી. ત્યારબાદ વડતાલના સંતોએ આચાર્ય મહારાજશ્રીને પત્રિકા અર્પણ કરી હતી, અને અંતે મહારાજએ સહુ યજમાનો અને સંતોને પત્રિકા આપી હતી. વડતાલધામમાં પરંપરાગત શરદોત્સવની ઉજવણીની સાથે આગામી ૨૦૦ વર્ષના મહોત્સવની પત્રિકાઓ અર્પણ કરવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
