ખેડા જિલ્લામાં “વિશ્વ દ્રષ્ટિ દિવસ” ની ઉજવણી: ૩૫૦ બાળકોને વિનામૂલ્યે ચશ્માનું વિતરણ
નરેશ ગનવાણી નડિયાદ

બાળકોના આંખોના આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી વિશ્વ દ્રષ્ટિ દિવસની યાદગાર ઉજવણી ખેડા જિલ્લામાં કરવામાં આવી. જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોરના માર્ગદર્શન હેઠળ નડિયાદ જનરલ હોસ્પિટલ ખાતે સ્કૂલ હેલ્થ – રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત એક સાથે ૩૫૦ દ્રષ્ટિ સુધારક ચશ્માનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી જયંત કિશોરે આ પ્રસંગે જણાવ્યું હતું કે, “બાળકો રાષ્ટ્રનું ભવિષ્ય છે અને તેમની આરોગ્ય સંભાળ એ સરકારની પ્રાથમિકતા છે. RBSK ટીમના સહકારથી આ કાર્યક્રમ સફળ રહ્યો, અને ભવિષ્યમાં પણ તમામ બાળકોને ગુણવત્તાપૂર્ણ આરોગ્ય સુવિધા આપવાની પ્રતિબદ્ધતા છે.”
આંખોના આરોગ્ય માટે સઘન અભિયાન
ખેડા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ૧ એપ્રિલ ૨૦૨૫ થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન શાળા અને આંગણવાડીના બાળકોમાં દૃષ્ટિ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન જિલ્લાના તમામ તાલુકાઓમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું.
આ સઘન અભિયાન અંતર્ગત કુલ ૩૨,૨૬૪ શાળાના બાળકો અને ૧૭,૧૧૦ આંગણવાડીના બાળકોની આંખોની તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન શાળાના ૨,૫૩૭ બાળકોમાં Refractive Error અને ૨,૧૪૮ બાળકોમાં Vision Impairment ની સંભાવના જોવા મળી. આંગણવાડીના બાળકોમાં પણ ૪૭ બાળકોમાં Refractive Error અને ૪૧ બાળકોમાં દ્રષ્ટિની ક્ષતિ ની શક્યતા જણાઈ હતી. આ તમામ સંદિગ્ધ બાળકોના માતા-પિતાને યોગ્ય માર્ગદર્શન આપીને તેમના નિદાન અને સારવારની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વિશ્વ દ્રષ્ટિ દિવસ નિમિત્તે જિલ્લા સ્તરે પ્રથમ વખત એક સાથે આટલી મોટી સંખ્યામાં ચશ્માનું વિતરણ કરીને બાળકોમાં આંખોના આરોગ્ય માટે જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા માતા-પિતાને બાળકોની આંખોના આરોગ્ય પર વિશેષ ધ્યાન આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં CDHO, CDMO, RBSK ટીમ અને તાલુકા આરોગ્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.


https://shorturl.fm/x0cAb