રિક્ષામાં મુસાફરોને બેસાડી ખિસ્સામાંથી રોકડ ચોરી કરનાર બે આરોપીઓ ઝડપાયા
નરેશ ગનવાણી નડિયાદ

કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશને ચોરીની ફરિયાદ મળ્યાના ગણતરીના કલાકોમાં જ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી સરાહનીય કામગીરી કરી છે. આ આરોપીઓ રિક્ષામાં મુસાફરોને બેસાડી તેમનું ધ્યાન ભટકાવી તેમના ખિસ્સામાંથી રોકડ રકમ ચોરી લેવાની નવી મોડસ ઓપરેન્ડી ધરાવતા હતા.
તા. ૦૮ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ રમેશભાઈ કોહ્યાભાઈ ઝાલા રહે. સુણદા ગ્રામીણ બેંકમાંથી લોનના રૂ. ૩૫ હજાર ઉપાડીને સોનાની લગડી છોડાવવા માટે કપડવંજની નક્ષત્ર જ્વેલર્સ તરફ જઈ રહ્યા હતા. આ સમયે કપડવંજ-ટાઉનહોલ ખાતે એક રિક્ષા ચાલકે તેમને સોની બજારમાં જવાનું કહીને રિક્ષામાં બેસાડ્યા હતા. રિક્ષામાં પહેલેથી જ પેસેન્જરના સ્વાંગમાં બેસેલા અન્ય એક ઈસમે ફરિયાદીનું ધ્યાન વાતોમાં ભટકાવ્યું. દરમિયાન, રિક્ષા ચાલકે રિક્ષાને જાણી જોઈને આડા-અવળા ટર્ન મારીને બ્રેક મારી. આ તકનો લાભ લઈને પાછળ બેઠેલા ઈસમે ચાલાકીપૂર્વક ફરિયાદીના પેન્ટના ખિસ્સામાં રાખેલા રૂ. ૩૫ હજારની રોકડ રકમ ચોરી લીધી હતી. પૈસા ચોરાયા બાદ, આરોપીઓએ કોઈ ઈમરજન્સીનું બહાનું આપી ફરિયાદીને ઉતારી ત્યાંથી ભાગી ગયા હતા. આ અંગે કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પો. ઈન્સ. જનકસિંહ દેવડા અને તેમની સર્વેલન્સ ટીમે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે કપડવંજ શહેરના કુલ ૨૫ જેટલા CCTV ફૂટેજની ઝીણવટભરી ચકાસણી કરી હતી. સાથે જ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે ચોરીમાં વપરાયેલી રિક્ષાની ઓળખ કરવામાં આવી હતી. પોલીસની આ સતર્કતા અને ઝડપી કામગીરીના કારણે ચોરીની ફરિયાદ મળ્યાના ટૂંકાગાળામાં ૧. અરબાઝખાન ઉર્ફે બકલ રસીદખાન પઠાણ રહે. બોરસદ, મૂળ રહે. પેટલાદ
૨. સમીરખાન ઉર્ફે મંગલ નાજીમખાન પઠાણ હાલ રહે. ગુજરાત હાઉસીંગ બોર્ડના, પેટલાદ બંને આરોપીઓને ચોરીના રૂ. ૩૫ હજારની સંપૂર્ણ રોકડ તેમજ ગુનામાં વપરાયેલી રિક્ષા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપીઓ રિક્ષા લઈને આવતા-જતા ઈસમોની રેકી કરતા હતા અને ખાસ કરીને તેમના ખિસ્સા કે પાકીટ પર નજર રાખતા હતા. ત્યારબાદ કોઈને કોઈ બહાને તેમને રિક્ષામાં બેસાડીને રિક્ષાને આડા-અવળા ટર્ન મારી, બ્રેક મારી નજર ચૂકવીને વાતો દ્વારા ધ્યાન ભટકાવતા હતા અને અત્યંત સિફતપૂર્વક ખિસ્સામાંથી પૈસા કાઢી લઈ ભાગી જતા હતા. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


https://shorturl.fm/f0EDd
https://shorturl.fm/iHPaV
https://shorturl.fm/wFBMh