ખેડા જિલ્લામાં આરોગ્ય સેવાઓને ગુણવત્તાસભર બનાવવા ‘આરોગ્ય સ્વાગત કાર્યક્રમ’નો શુભારંભ

નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લામાં આરોગ્ય યોજનાઓ અને કાર્યક્રમોને વધુ લોકાભિમુખ અને ગુણવત્તા સભર બનાવી આરોગ્ય વિષયક સેવાઓ લોકો સુધી સુદ્રઢ રીતે પહોંચાડવા માટે જિલ્લા વહીવટી તંત્ર ખેડા દ્વારા એક નવી પહેલની શરૂઆત કરવામાં આવી છે. કલેક્ટર અમિત પ્રકાશ યાદવના માર્ગદર્શનમાં ‘આરોગ્ય સ્વાગત કાર્યક્રમ’ની શરૂઆત કરવામાં આવી છે. આ કાર્યક્રમનો શુભારંભ ૧૧ ઓક્ટોબર, શનિવારે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ દ્વારા નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યો હતો. આ પહેલ હેઠળ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા દરરોજ જાહેર રજાના દિવસો સિવાય સવારે ૯ કલાકથી ૧૦ કલાક સુધી સિવિલ હોસ્પિટલ, નડિયાદ ખાતે હાજર રહી સિવિલ હોસ્પીટલના પૂર્વ નિર્ધારિત વિભાગની સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત, ‘આરોગ્ય સ્વાગત કક્ષ’માં સિવિલ હોસ્પિટલના લાભાર્થીઓને પોતાની સેવાઓમાં અનુભવાતી મુશ્કેલીઓની રજૂઆત સાંભળી તેનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરાશે.
સમગ્ર જીલ્લાની આમ જનતા આરોગ્ય યોજનાઓ અને કાર્યક્રમો વિષયક પડતી મુશ્કેલીઓની લેખિત રજૂઆત કરી શકશે. આ રજૂઆતોને મહિનાના ચોથા ગુરુવારે સવારે ૯:૩૦ થી ૧૦:૩૦ કલાક દરમ્યાન આરોગ્ય સ્વાગત કક્ષ ખાતે જિલ્લાના તમામ આરોગ્ય અધિકારીઓની હાજરીમાં સાંભળીને સુખદ નિરાકરણ લાવવાના પ્રયત્નો હાથ ધરાશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ આરોગ્ય વિભાગની તમામ યોજનાઓનું વધુ અસરકારક રીતે અમલ થાય અને સામાન્ય લોકોને આરોગ્ય વિષયક પડતી મુશ્કેલીઓ દૂર કરી શકાય તે છે.
આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર જી.એચ.સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ કવિતાબેન સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા.

4 thoughts on “ખેડા જિલ્લામાં આરોગ્ય સેવાઓને ગુણવત્તાસભર બનાવવા ‘આરોગ્ય સ્વાગત કાર્યક્રમ’નો શુભારંભ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!