વડતાલધામ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ૨૦૦ કિલો ઘારીનો અન્નકૂટ ઉત્સવ ઉજવાયો

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના આસ્થાના ધામ વડતાલધામ ખાતે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી તથા આચાર્ય પદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે ગત રવિવાર, તારીખ ૧૨ ઓક્ટોબરના રોજ ૨૦૦ કિલો ઘારીનો એક અનોખો અન્નકૂટ ઉત્સવ ભક્તિભાવ પૂર્વક ઉજવાયો હતો. આ ઉત્સવના યજમાન તરીકે વડોદરાના અલ્પિતભાઈ પંકજભાઈ પટેલ અને અમદાવાદના મૌલેશભાઈ ભુપેન્દ્રભાઈ કોઠારી રહ્યા હતા. આ પ્રસંગે વડતાલ પીઠાધીપતિ આચાર્ય ૧૦૦૮  રાકેશપ્રસાદજી મહારાજે શ્રી લક્ષ્મીનારાયણદેવ અને હરિકૃષ્ણ મહારાજ સમક્ષ ભક્તિભાવ સાથે આરતી ઉતારી હતી. આ અવસરે કોઠારી દેવપ્રકાશ સ્વામી, બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજી તથા
પૂ.શ્યામવલ્લભસ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા. વડતાલ મંદિરના ચેરમેન ડો.સંતવલ્લભદાસજી સ્વામીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ભક્તો દ્વારા પોતાના મનોરથોની પૂર્તિ માટે વડતાલ વિહારી શ્રી લક્ષ્મીનારાયણદેવ તથા હરિકૃષ્ણ મહારાજ સહિત આદિ દેવોને વિવિધ પ્રકારની વાનગીઓનો અન્નકૂટ ધરવામાં આવે છે. તેના ભાગરૂપે, બરોડા તથા અમદાવાદના હરિભક્તોએ દેવોના રાજીપા અર્થે રવિવારે ૨૦૦ કિલો ઘારીનો વિશાળ અન્નકૂટ ધરાવ્યો હતો.
આ ધાર્મિક ઉત્સવ દરમિયાન રવિવારે યોજાયેલી ચોથી યુવાસભામાં હાજર રહેલા યુવકો અને યુવતીઓને સંતો તથા સાંખ્યયોગી માતા દ્વારા ઘારીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે શિક્ષાપત્રી તથા આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત અત્યાર સુધીમાં ૧૯,૧૨૨ હરિભક્તો દ્વારા મંદિરની કુલ ૩૮.૨૪ લાખ પ્રદક્ષિણાઓ પૂર્ણ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!